1300 કરોડમાં હિસ્સેદારી વેચવા જઇ રહી છે આ કંપની, જાણો સમગ્ર મામલો…

મુંબઈ : દેશની અગ્રણી જ્વેલરી કંપની કલ્યાણ જ્વેલર્સ(Kalyan Jewellers)ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે કંપનીના શેરહોલ્ડર હાઈડલ ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા 1300 કરોડનો પોતાનો હિસ્સો વેચી રહી છે. જેને તેની પ્રમોટર કંપની ટીએસ કલ્યાણરામન ખરીદી રહી છે.
શું છે સમગ્ર મામલો
હાઈડલ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રતિ શેર રૂપિયા 535ના દરે 2.42 કરોડ ઈક્વિટી શેર વેચી રહી છે. જેનું કુલ મૂલ્ય રૂપિયા 1300 કરોડ થઈ રહ્યું છે. આ માહિતી કલ્યાણ જ્વેલર્સ દ્વારા એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા આપવામાં આવી છે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર આ શેર વેચાણ કરારની કિંમત શેરની વર્તમાન ટ્રેડિંગ કિંમત કરતાં 2.45 ટકા ઓછી છે.
હિસ્સો વધારો
કંપનીના પ્રમોટર કલ્યાણરામન આ ડીલ પછી હાઈડલ પાસેથી આ શેર ખરીદશે. આ સોદો 21 ઓગસ્ટના રોજ થયો હતો અને તે પૂર્ણ થયા પછી પ્રમોટર જૂથનો હિસ્સો કુલ હિસ્સો 62.95 ટકા થશે. જે પહેલા 60.59 ટકા હતો. કંપનીએ પોતાની એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી છે.
કલ્યાણ જ્વેલર્સના શેરનું સારું પ્રદર્શન
કંપનીના શેર સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. કંપનીનું આ શાનદાર પ્રદર્શન આરબ દેશો અને ભારતીય બજારમાં સારા પ્રદર્શનને કારણે થયું છે. કંપનીનો ભારતીય બજારમાં ઓપરેશનલ રેવન્યુમાં 29 ટકાનો વધારો થયો છે. જ્યારે આરબ દેશોમાં 16 ટકાનો વધારો નોંધાયો છે.
IPO 16 માર્ચ 2021ના રોજ લોન્ચ કર્યો હતો
કલ્યાણ જ્વેલર્સ એ ભારતીય જ્વેલરી શોરૂમ કંપની છે જેની સ્થાપના 1993માં ટી.એસ. કલ્યાણરામન દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ તેનો IPO 16 માર્ચ 2021ના રોજ લોન્ચ કર્યો હતો અને 26 માર્ચ 2021ના રોજ સાર્વજનિક રીતે લિસ્ટ કરવામાં આવ્યો હતો.