Z+ Security આપવા અંગે શરદ પવારે આપ્યું નિવેદન, કારણ આ જ…

મુંબઈઃ કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારને Z+ સુરક્ષા આપ્યાની જાહેરાત કરી હતી. હવે આ બાબતને લઈ શરદ પવારે જણાવ્યું છે કે તેમના અંગે માહિતી મેળવવા માટે ‘ઝેડ પ્લસ’ સુરક્ષા આપવામાં આવી છે, કારણ કે હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.
મીડિયા દ્વારા જ્યારે તેમને Z+ સુરક્ષા મેળવવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે શરદ પવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આ પગલાં પાછળનું કોઇ ચોક્કસ કારણ તો પોતે જાણતા નથી, પરંતુ તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણય પર શંકા વ્યક્ત કરી હતી.
શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મને જણાવ્યું કે સરકારે ત્રણ વ્યક્તિને Z+ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે અને એ ત્રણમાંની એક વ્યક્તિ હું છું. તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ Z+ સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયે તેમણે એવો કટાક્ષ કર્યો હતો કે કદાચ ચૂંટણી નજીક આવી રહી છે, તેથી મારા વિશે અધિકૃત માહિતી મેળવવાનો આ એક માર્ગ હોઇ શકે છે.
નોંધનીય છે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના સશસ્ત્ર કર્મચારીઓની એક ટીમ પવારની Z+ સુરક્ષાનો ભાગ હશએ. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ખતરાનું મૂલ્યાંકન કરી પવારને મજબૂત સુરક્ષા પ્રદાન કરવાની ભલામણ કરી હતી.
આ પણ વાંચો : …તો હું આંદોલનમાં જોડાઇશઃ શરદ પવારે પુણેે આંદોલનમાં જોડાવાની ચીમકી આપી
દરેક વીવીઆઇપી વ્યક્તિઓને Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે. તેમની આસપાસ કડક સુરક્ષા ગોઠવવામાં આવે છે. Z+ સુરક્ષામાં 58 સશસ્ત્ર જવાનો તૈનાત હોય છે, જેમાં 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ, 6 પીએસઓ, 24 સૈનિક અને 24 કલાક માટે 2 એસ્કોર્ટ્સ, 5 નિરીક્ષકો (બે શિફ્ટ્માં) રાખવામાં આવે છે. આ ઉપરાંત, ઇન્સ્પેક્ટર અથવા સબ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવે છે. VIP ના ઘરે આવતા અને જતા લોકો માટે 6 ફ્રિસ્કિંગ અને સ્ક્રીનિંગ કર્મચારીઓ તૈનાત છે અને તેની સાથે 6 ડ્રાઇવર ચોવીસ કલાક હાજર રાખવામાં આવે છે.