આમચી મુંબઈ

શરદ પવારની 15 મિનિટની વિસ્ફોટક પ્રેસ કોન્ફરન્સ:4 નેતાઓ બન્યા ખલનાયક…


પુણે: અજિત પવારના મૃત્યુના માત્ર 72 (બોંતર) કલાક પછી શપથ ગ્રહણ સમારોહ થઈ રહ્યો છે. ઉતાવળમાં પૂર્ણ થયેલા આ શપથ ગ્રહણ સમારોહ અંગે ઘણા પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, શરદ પવારે શપથ ગ્રહણ પછી જ પ્રેસ કોન્ફરન્સ કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમની 15 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં એવું જોવા મળ્યું હતું કે પવારે આડકતરી રીતે ચાર નેતાઓને ખલનાયક ચિતર્યા હતા.

સુનેત્રા પવારનો શપથ ગ્રહણ સમારોહ આજે થશે તેની અમને કંઈ ખબર નથી. આ નિર્ણય લેતા પહેલા અમે તમારી સાથે ચર્ચા કરવામાં આવી નહોતી. એમ જણાવતાં પવારે એવું સૂચવવાનો પ્રયાસ કર્યો કે આ નિર્ણય એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે, કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ, ધનંજય મુંડે અને પાર્થ પવાર દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે પવારે કોઈ પર સીધો આરોપ લગાવ્યો ન હતો, પરંતુ તેમણે કહ્યું કે આ નિર્ણય પવાર પરિવારને ચર્ચામાં લીધા વિના લેવામાં આવ્યો હતો.

15 મિનિટની આ વિસ્ફોટક પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, ધનંજય મુંડે, પાર્થ પવાર અને સુનેત્રા પવારને ખલનાયક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે જે દિવસે અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તે જ રાત્રે બારામતીની સિટી ઇન હોટેલમાં સુનિલ તટકરે, પ્રફુલ્લ પટેલ, ધનંજય મુંડે અને હસન મુશ્રીફ વચ્ચે એક બેઠક યોજાઈ હતી.

આ બેઠક પછી, સુનિલ તટકરે અને પ્રફુલ્લ પટેલ તાત્કાલિક મુંબઈ જવા રવાના થયા હતા. તેમણે મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાન વર્ષા બંગલોમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં, સુનેત્રા પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. પવારે એવો સંકેત આપવાનો પ્રયાસ કર્યો કે આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો છે.


અજિત પવારના મૃત્યુને કારણે એનસીપી (એસપી) અને એનસીપીના મર્જરની પ્રક્રિયામાં અવરોધ આવી શકે: શરદ પવાર

પુણે: શરદ પવારે શનિવારે કહ્યું હતું કે, અજિત પવારના મૃત્યુને કારણે એનસીપી (એસપી) અને એનસીપીના મર્જરની પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું 28 જાન્યુઆરીએ તેમના વતન બારામતી ખાતે લિયરજેટ 45 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ચાર અન્ય લોકો સાથે મૃત્યુ થયું હતું.

બધી ચર્ચાઓ તેમના સ્તરે થઈ હતી, પરંતુ હવે એવું લાગે છે કે (વિમાન) અકસ્માત બાદ પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી હતી, પરંતુ અકસ્માતે પ્રક્રિયાને પ્રતિકૂળ અસર કરી છે, એમ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને શનિવારે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, બંને જૂથો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિલય પ્રક્રિયા ચાલુ રહેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા, શરદ પવારે કહ્યું કે તેમને ખબર નથી કારણ કે તેઓ આ ચર્ચાઓનો ભાગ નહોતા.

અજીતની ઇચ્છા બે જૂથોને એક કરવાની હતી, અને હવે અમારી ઇચ્છા છે કે તેમની ઇચ્છા પૂર્ણ થાય, એમ પવારે કહ્યું હતું.
આપણે અજિતને પાછા લાવી શકતા નથી. આપણે તેમને ગુમાવી દીધા છે. હવે આપણે જોવાનું છે કે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો, એમ પણ તેમણે ભારપુર્વક જણાવ્યું હતું.

શરદ પવારે કહ્યું કે બંને જૂથો સાથે મળીને કામ કરવા અંગે સર્વસંમતિ થઈ ગઈ છે, અને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button