શરદ પવારે કરી ગૌતમ અદાણીની પ્રશંસા
ઉદ્ધવ જૂથ અને કૉંગ્રેસ કરતા એનસીપીના અલગ સૂર
મુંબઇ: એક તરફ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ ગણાતા કોંગ્રેસ અને શિવસેના સતત અદાણી ગ્રુપ અને અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીની ટીકા કરતાં હોય છે ત્યાં બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનનો જ ભાગ ગણાતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર હાલમાં ગૌતમ અદાણીની તરફેણ કરી વારંવાર તેમની પ્રશંસા કરતાં
દેખાય છે.
હાલમાં જ બારામતીની વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાના એન્જિનિયરિંગ વિભાગમાં રોબોટિક્સ લેબના ઉદઘાટન સમારંભમાં શરદ પવારે ગૌતમ અદાણીનો આભાર માન્યો હતો. શરદ પવારે કહ્યું હતું કે ટેકનોલોજીને કારણે એન્જિનિયરિંગ ક્ષેત્રે ઝડપી બદલાવ આવી રહ્યાં છે.
આ ઝડપી બદલાવો સ્વીકારીને તેની સાથે ચાલનારો વર્ગ ઊભો કરવાની હવે જરુર છે. નવી ટેક્નોલોજીને અનુસરનારા એન્જિનિયર્સની દેશ-વિદેશમાં ખૂબ માંગ છે. જેને ધ્યાનમાં રાખીને બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન એન્જિનિયરિંગ કોલેજમાં લગભગ ચાર હજાર ચોરસ ફૂટના ગ્રામીણ વિસ્તારમાં પહેલી સ્માર્ટ ફેક્ટરી શરુ કરવાના કામની આજે શરુઆત થઇ છે. એ ખરેખર ખૂબ સારી વાત છે.
શરદ પવારે વધુમાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ૨૫ કરોડ રુપિયાનું રોકાણ લાગશે. સિફોટેક ક્ધસ્ટ્રક્શન કંપનીએ ૧૦ કરોડ રુપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેમનો હું ખૂબ આભારી છું. ગૌતમ અદાણીનું નામ અહીં લેવું રહ્યું. તેમણે ૨૫ કરોડ રુપિયાનો ચેક સંસ્થાને મોકલ્યો છે. આ બંનેની મદદને કારણે આપણે અહીં આ હાઇટેક લેબ બનાવી શકીએ છીએ, એવું કહીને શરદ પવારે ગૌતમ અદાણીની પ્રશંસા કરી હતી.