‘કેન્દ્રએ જાહેર કર્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદનો અંત આવ્યો છે, પરંતુ પહલગામ હુમલામાં ક્ષતિઓ છતી થઈ: શરદ પવાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે, જ્યારે કેન્દ્ર કાશ્મીરમાં આતંકવાદનો અંત આવ્યો હોવાનો દાવો કરી રહ્યું હતું, ત્યારે પહલગામમાં આતંકવાદી હુમલો સુરક્ષામાં રહેલી ખામીઓ દર્શાવે છે અને ઉમેર્યું હતું કે સુધારાત્મક પગલાં તાત્કાલિક લેવાની જરૂર છે. પુણેમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, તેમણે કહ્યું કે પહલગામ જેવા ‘સુરક્ષિત સ્થળ’ પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયો છે એવો દાવો કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. પવારે એમ પણ કહ્યું કે આતંકવાદી હુમલો દેશ વિરુદ્ધ હોવાથી, કોઈએ પણ આ મુદ્દાનું રાજકારણ ન કરવું જોઈએ. બાવીસમી એપ્રિલે પહલગામ નજીક બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો, જેમાં મોટાભાગના પર્યટકો હતા, મૃત્યુ પામ્યા હતા.
આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ભારત વિરુદ્ધ છે અને જ્યારે દેશ વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ થાય છે, ત્યારે તેનું રાજકારણ કરવાની કોઈ જગ્યા હોવી જોઈએ નહીં, એમ શરદ પવારે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે 22 એપ્રિલે પહેલગામ હુમલાની ચર્ચા કરવા માટે સર્વપક્ષી બેઠક બોલાવી હતી.
‘અમારા તરફથી સાંસદ સુપ્રિયા સુળેએ બેઠકમાં હાજરી આપી હતી. મને ખુશી છે કે તમામ પક્ષોએ સરકારને સહકાર આપવાનું વલણ અપનાવ્યું છે. જે પણ નિર્ણય લેવામાં આવે, અમે સરકારની સાથે છીએ અને સરકારે આ બાબતમાં વધુ ગંભીરતાથી તપાસ કરવી જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
‘સરકાર દાવો કરતી રહે છે કે તેમણે કાશ્મીરમાં આતંકવાદનો નાશ કર્યો છે અને હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો આ (ખીણમાં આતંકવાદનો અંત) થઈ રહ્યો છે તો મને આનંદ છે, પરંતુ તાજેતરના આતંકવાદી હુમલાથી જાણવા મળે છે કે તેમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ છે અને આ ખામીઓને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તે મોરચે પણ અમે અમારો સહયોગ વધારીશું,’ એમ પવારે કહ્યું હતું. જ્યારે પૂછવામાં આવ્યું કે ગુપ્તચર નિષ્ફળતાને કારણે આતંકવાદી હુમલો થયો છે, ત્યારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાને કહ્યું કે તે ‘સ્પષ્ટ’ જણાઈ રહ્યું છે.
‘જો પહેલગામ જેવા સુરક્ષિત સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હોય, તો આપણે એવો દાવો કરવામાં વધુ સાવધ રહેવું જોઈએ કે આપણે ખીણમાં આતંકવાદ સામે સફળતા મેળવી છે. વધુ સાવધાની રાખવાની જરૂર છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
પવારે કહ્યું કે તેમણે પુણે સ્થિત સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટેના પરિવારોની મુલાકાત લીધી, જેઓ પહલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. શું સરકાર એવું ચિત્ર દોરવાનો પ્રયાસ કરી રહી છે કે કલમ 370 રદ કરીને કાશ્મીરમાં બધી સમસ્યાઓનો અંત આવી ગયો છે, તે અંગે પૂછવામાં આવ્યું કે શું સરકાર બંધારણીય જોગવાઈ રદ કરવાની બડાઈ મારતી હતી, પરંતુ કાશ્મીરી લોકોનો અભિપ્રાય અલગ હતો.
ગુપ્તચર નિષ્ફળતા’ પર આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાને પદ છોડવું જોઈએ તેવી માગણી અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ગુનેગારોને પકડવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવી એ પ્રાથમિકતા છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે, ‘ઓછામાં ઓછું આજે હું એવી કોઈ માગણી નહીં કરું કે આ કે તે વ્યક્તિ રાજીનામું આપે.’