વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કેમ નથી યોજતા?
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ મુદ્દે શરદ પવારનું વડા પ્રધાન પર નિશાન
મુંબઈ: આગામી અમુક મહિનાઓમાં દેશમાં મહારાષ્ટ્ર ઉપરાંત હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર આ રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે દેશમાં એકસાથે જ વિધાનસભાની ચૂંટણીઓ કેમ નથી યોજવામાં આવી રહી, એવો સવાલ શરદ પવારે પૂછ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે કે એક રાષ્ટ્ર, એક ચૂંટણીનું મોડેલ લાગુ કરવાના હિતમાં છે તો પછી શા માટે વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે નથી યોજવામાં આવી રહી, એવો સવાલ પવારે કર્યો હતો.
નાગપુર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા પવારે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી જે કહે છે તેમાં જરા પણ સત્ય નથી હોતું. બે રાજ્યોમાં ચૂંટણીઓની તારીખ જાહેર કરાઇ છે અને ઝારખંડ તેમ જ મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખો જાહેર નથી કરવામાં આવી. મોદી કહે છે તેમાં કોઇપણ પ્રકારની સત્યતા નથી હોતી.
આ પણ વાંચો : Ladki Bahen Yojna: 1 કરોડ રાખડીઓ મોકલાવાશે ‘લાડકા ભાઇ’ એકનાથ શિંદેને!
ઉલ્લેખનીય છે કે આ પહેલા શરદ પવાર અને મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ) અને કૉંગ્રેસે ચૂંટણી પંચની ટીકા કરી હતી અને મહાયુતિને મહારાષ્ટ્રના લોકોને ઉલ્લું બનાવવા માટે વધુ સમય જોઇતો હોવાનો આરોપ મૂક્યો હતો.
બાંગ્લાદેશમાં હિંદુઓ સહિતના લઘુમતિ સમુદાય વિરુદ્ધ થયેલી હિંસા વિશે વાત કરતા પવારે કહ્યું હતું કે આજે શાંતિની જરૂર છે અને સમાજ તેમ જ રાજકારણીઓએ સંયમ જાળવીને હંમેશા સચેત રહેવું જોઇએ. બાંગ્લાદેશમાં જે થયું તેના પડઘા મહારાષ્ટ્રમાં પડશે તેવું અમે ક્યારેય ધાર્યું નહોતું.