આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવારે ક્યારેય રાજીનામું નહોતું આપ્યું: અજિત પવાર સાથે ગયેલા બધા પક્ષવિરોધી: જયંત પાટીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શરદ પવારે ક્યારેય રાજીનામું આપ્યું નહોતું. તેમણે ફક્ત ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી તેમના રાજીનામા અંગેના કોઈપણ દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું જણાવતાં શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે બુધવારે કહ્યું હતું કે અજિત પવાર જૂથ સાથએ ગયેલા બધા જ વિધાનસભ્યોએ પક્ષવિરોધી કૃતિ કરી છે.

એનસીપીના વિધાનસભ્યોની અપાત્રતા પિટિશન અંગેની સુનાવણી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર સમક્ષ ચાલી રહી હતી ત્યારે તેમણે અજિત પવાર જૂથના વકીલ દ્વારા લેવામાં આવેલી ઉલટતપાસ વખતે ઉપરોક્ત જવાબ આપ્યા હતા.
તે પહેલાંની દલીલમાં જયંત પાટીલની પ્રદેશાધ્યક્ષ પદ પર થયેલી પસંદગી અંગે અજિત પવાર જૂથના વકીલ દ્વારા સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. જયંત પાટીલ ચૂંટાઈને નહીં, પસંદ થઈને પ્રદેશાધ્યક્ષ બન્યા હોવાનો દાવો અજિત પવાર જૂથ તરફથી કરવામાં આવ્યો હતો.

જયંત પાટીલે કહ્યું હતું કે હું ચૂંટાઈને આવ્યો હતો અને પ્રદેશાધ્યક્ષ પદે નિયુક્તિ થઈ હોવાનો પત્ર પ્રફુલ પટેલે મોકલાવ્યો હતો એમ પણ તેમણે કહ્યું હતું.

વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર સમક્ષ અજિત પવાર જૂથે કહ્યું હતું કે 2020માં જયંત પાટીલની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેમના પદ પર ચૂંટણી કરવામાં આવી નહોતી. તેમને પસંદ કરાયેલા પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2022માં તેમને ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button