…તો વિલીનીકરણઃ શરદ પવારે આપેલા નિવેદન બાદ રાજકીય ધરતીકંપ

મુંબઈ: દેશના કેન્દ્રીય કૃષિ પ્રધાન રહી ચૂકેલા શરદ પવાર પહેલા કૉંગ્રેસમાં હતા અને તેમણે જ કૉંગ્રેસ પક્ષના બે ભાગલા કરીને નવા પક્ષ એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની સ્થાપના કરી. જોકે, ભવિષ્યમાં આ ભૂતકાળનું ઉલટું પુનરાવર્તન થાય અને શરદ પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)નું પાછું કૉંગ્રેસમાં વિલીનીકરણ થઇ શકે છે તેવો સંકેત શરદ પવારે આપ્યો છે. જેને પગલે રાજકીય ક્ષેત્રે ઘણી ચર્ચા ચાલી રહી છે.
હાલમાં જ શરદ પવારે ભવિષ્યમાં ઘણા પ્રાદેશિક પક્ષ કૉંગ્રેસની નજીક આવશે અને અમુકનું તેમાં વિલીનીકરણ પણ થઇ શકે, તેવું નિવેદન આપ્યું હતું. શરદ પવારના આ નિવેદન અંગે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યાર બાદ બધુ જ સ્પષ્ટ થઇ જશે.
ચવ્હાણે વધુમાં જણાવ્યું હતું કે આ વિશે હમણાં કંઇ કહી ન શકાય. આ નિવેદન તેમણે સાતારામાં આપ્યું હતું અને ત્યારે હું પણ ત્યાં હાજર હતો. એ તેમનું વ્યક્તિગત નિવેદન હતું. તેમણે બે વસ્તુની વાત કરી હતી અને તેમાંથી એક હતી કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસની વિચારધારામાં કંઇ વધારે ફરક નથી.
જોકે, મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર બની તો અનેક પ્રાદેશિક પક્ષો સત્તા માટે કૉંગ્રેસની નજીક આવી શકે. તેમણે કૉંગ્રેસમાં વિલીનીકરણ બાબતે ના પણ પાડી નહોતી. શરદ પવારના પક્ષનું કૉંગ્રેસમાં વિલીનીકરણ થશે કે નહીં એ હું ન કહી શકું. આખું ચિત્ર ચોથી જૂનના રોજ પરિણામો બહાર પડશે ત્યારબાદ સ્પષ્ટ થશે, એમ ચવ્હાણે કહ્યું હતું.
જોકે, શરદ પવારના નિવેદન બાદ ભાજપે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રણ તબક્કામાં જે મતદાન થયું છે તેને જોતા મહવિકાસ આઘાડીને પોતાની હાર સ્પષ્ટ દેખાઇ રહી છે અને તેના માટે જ આ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિને જોઇને તેમણે આ પત્તું ફેંક્યું છે. શરદ પવાર પરિસ્થિતિને જોઇને રંગ બદલનારા વ્યક્તિ છે, તેમ ભાજપના નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું.