MVA CM પદ માટે ચાલતી ખેંચાખેંચી બાદ શરદ પવારે શું સ્પષ્ટતા કરી?
મુંબઈ: કૉંગ્રેસના વિધાનસભ્યએ કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને મુખ્ય પ્રધાન બનાવવાની વાત કરી છે ત્યારે એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે મહાવિકાસ આઘાડીના મુખ્ય પ્રધાનપદના ચહેરા વિશે સ્પષ્ટતા કરી છે. મુખ્ય પ્રધાન કોણ બનશે એ વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ થાય ત્યાર પછી જ નક્કી કરવામાં આવશે, એમ પવારે સ્પષ્ટ કર્યું હતું.
આ પણ વાંચો : CM પદ નહીં આપે તો છીનવી લઇશુંઃ કોંગ્રેસના નેતા આ શું કહી દીધું!
એક કાર્યક્રમ દરમિયાન આ વિશે વાત કરાતા તેમણે કહ્યું હતું કે અમુક લોકો અમને પૂછે છે કે તમારો મુખ્ય પ્રધાનપદનો ચહેરો કોણ હશે? મને ફક્ત એટલું જ કહેવું છે કે અમે લોકો સમક્ષ જઇશું. અમારા કાર્યક્રમોને લોકોએ માન્યતા આપી છે, શક્તિ આપી છે અને જો અમે ચૂંટાઇ આવીશું તો એકસાથે બેસીને આ વિશે નિર્ણય લઇ રાજ્યને એક સક્ષમ નેતા આપીશું. પ્રધાન મંડળમાં કોણ હશે અને કોને ક્યું ખાતું અપાશે તે પણ ત્યારે અમે ત્યારે નક્કી કરીશું.
તેમણે મોરારજી દેસાઇના વડા પ્રધાન બનવાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે જ્યારે ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી બાદ બધા પક્ષોએ સાથી આવીને ચૂંટણી લડી જીત હાંસલ કરી ત્યારે અમે કોઇને વડા પ્રધાનપદનો ચહેરો નહોતા બનાવ્યા. કોઇને ક્યારેય ન કહ્યું કે જે તે નેતાને અમે વડા પ્રધાન બનાવીશું અને છતાં લોકોએ અમને જીતાડ્યા અને મોરારજી દેસાઇ વડા પ્રધાન બન્યા.
આ ઉપરાંત, અન્ય પક્ષોને પોતાની સાથે લેવા વિશે તેમણે કહ્યું હતું કે અમે કમ્યુનિસ્ટ પાર્ટીના બંને જૂથ, શેતકરી કામગાર પક્ષ અને અમારી જેવી વિચારધારા ધરાવતા અન્ય પક્ષોને અમારી સાથે સામેલ કરીને અમે લોકોનું સમર્થન મેળવીશું.