લવાસામાં કથિત સ્વરૂપે ગેરરીતિ સીબીઆઈ તપાસની જનહિત અરજી સામે શરદ પવાર હાઈ કોર્ટમાં
મુંબઈ: પુણે જિલ્લાના લવાસામાં અંગત માલિકીનું (પ્રાઇવેટ) હિલ સ્ટેશન બાંધવા કથિત સ્વરૂપે ગેરકાયદે પરવાનગી આપવા બદલ શરદ પવાર, તેમની પુત્રી સુપ્રિયા સુળે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે સીબીઆઈ તપાસની માગણી કરતી એક જાહેરહિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવતા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના સ્થાપક શરદ પવારએ હાઈ કોર્ટમાં અરજી કરી છે. વકીલ જોએલ કાર્લોસ મારફત દાખલ કરતી દરમિયાનગીરી અરજીમાં એનસીપી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષએ પીઆઈએલમાં પ્રતિવાદી તરીકે સામેલ કરવાની પરવાનગી માગી છે જેથી તેઓ અરજી સામે પોતાની દલીલોની રજૂઆત કરી શકે.
વકીલ નાનાસાહેબ જાધવે ગયા વર્ષે કથિત સ્વરૂપની ગેરરીતિઓ બદલ આ ત્રણ જણ તેમજ રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓ સામે ખટલો દાખલ કરવા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તપાસ કરે એવી માગણી કરતી પીઆઈએલ કરી હતી. શરદ પવાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અસ્પી ચિનોયે બુધવારે અદાલતને જણાવ્યું હતું કે આ પ્રકારના આક્ષેપો અરજદાર જાધવએ વારંવાર કર્યા છે. લવાસા પ્રોજેક્ટને આપવામાં આવેલી પરાવનગીઓ બાબત જાધવે કરેલી આ જ પ્રકારની અરજી હાઇ કોર્ટે ૨૦૨૨માં રદ કરી હતી એમ પણ ચિનોયે જણાવ્યું હતું. (પીટીઆઈ)