પ્રમાણપત્રનો ફોટો થયો વાયરલ, સુપ્રિયા સૂળેએ આપ્યો રદિયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારના દાખલા પર ઓબીસી નોંધ હોવાનો ફોટો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો વાઈરલ થયા બાદ શરદ પવારના સમર્થક વિકાસ પાસલકરે દાખલો ખોટો હોવાનો દાવો કર્યો છે. આવી જ રીતે સુપ્રિયા સુળેએ પણ શરદ પવાર પાસે ઓબીસીનું પ્રમાણપત્ર હોવાના દાવાને રદિયો આપ્યો છે.
સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ઓબીસીના દાખલા પર બોલતાં સુળેએ કહ્યું હતું કે સાહેબ જ્યારે દસમીમાં હતા ત્યારે તેમનો દાખલો અંગ્રેજીમાં હોઈ શકે? આ બધું હાસ્યાસ્પદ છે અને પવાર પર આરોપ કરનારાનું આ બાલીશપણું છે. આજકાલ ખોટા પ્રમાણપત્રો બજારમાં સહેલાઈથી મળી જાય છે એમ પણ તેમણે કહ્યું હતું.
શનિવારે બારામતીના એક કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સંસદસભ્ય સુપ્રિયા સુળે અને સુનેત્રા પવાર સહિત પવાર કુટુંબના અનેક સભ્યો એકઠા થયા હતા તેના પર બોલતાં સુપ્રિયાએ કહ્યું હતું કે ઉંમર વધે તેની સાથે વૈચારિક ઊંડાણ વધવું જોઈએ. સંબંધો એક તરફ અને રાજકીય વલણ તેના સ્થાને. અમારી લડાઈ વૈચારિક છે, વ્યક્તિગત નથી.
ભાજપમાં પણ અનેક આવા કુટુંબ છે. તેમના અને શરદ પવારના પરિવાર સાથેના સંબંધો ચારથી પાંચ દાયકા જૂના છે. દાખલો આપવાનો હોય તો અટલજીનું કુટુંબ, પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે, સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ, અરુણ જેટલી જેવા કુટુંબોનો આપી શકાય તેમના પારિવારિક કાર્યક્રમમાં શરદ પવારને બોલાવવામાં આવે છે. રાજકીય મતભેદ જરૂર છે, પરંતુ વ્યક્તિગત કોઈના પરિવાર સાથે મનભેદ નથી.
શરદ પવારની તબિયત અચાનક બગડી હતી તે અંગે પુછવામાં આવતાં તેમમે કહ્યું હતું કે બધાના પ્રેમ અને આશીર્વાદ પવાર સાહેબનું ટોનિક છે. અત્યારે તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને તેઓ પોતાના ઘરમાં જ લોકોને મળી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે શરદ પવારની તબિયત બગડી હોવાના અહેવાલો વહેતા થયા બાદ રવિવારે મોટી સંખ્યામાં તેમના ચાહકો તેમને મળવા માટે પુણેના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા.