શરદ પવાર જૂથની એનસીપીનું થયું નામકરણ નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવારના નામે ઓળખાશે
મુંબઈ: ચૂંટણી પંચે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના જૂથને ખરી એનસીપી ગણાવતો ચુકાદો આપ્યો ત્યાર પછી શરદ પવાર જૂથની એનસીપી માટે નવું નામ નક્કી કરવામાં આવ્યું છે. હવેથી પવાર જૂથના એનસીપી પક્ષને નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી(શરદચંદ્ર પવાર) આ નામેથી એટલે કે એનસીપી શરદચંદ્ર પવાર તરીકે ઓળખાશે.
ચૂંટણી પંચે પણ પવાર જૂથના નવા પક્ષના નામ ઉપર સહી સિક્કા કરી તેને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે અજિત પવાર જૂથની એનસીપીને ખરી એનસીપી ગણાવી તેનું ઘડિયાળનું ચિહ્ન અજિત પવાર જૂથને અપાયું ત્યારબાદ શરદ પવાર જૂથને પક્ષનું નવું નામ નક્કી કરવા માટે બુધવારે સાંજે ચાર વાગ્યા સુધીની મુદત આપવામાં આવી હતી.
મુદત પૂરી થાય એ પહેલા ત્રણ નવા નામોના વિકલ્પ શરદ પવાર જૂથને આપવામાં આવ્યા હતા. જેમાંથી ઉક્ત નામ પક્ષ માટે નક્કી કરવામાં આવ્યું હતું. આવનારી ૨૮ ફેબ્રુઆરી સુધી એટલે કે રાજ્યસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આ નામ કાયદેસર ગણાશે, એવી સ્પષ્ટતા ચૂંટણી પંચે કરી છે.
જોકે, ચૂંટણી પંચે અજિત પવાર જૂથના પક્ષમાં આપેલા નિર્ણય વિરુદ્ધ શરદ પવાર અદાલતનો દરવાજો ખખડાવવાની તૈયારીમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકારવામાં આવશે, એમ શરદ પવાર જૂથના સાંસદ સુપ્રીયા સુળેએ જણાવ્યું હતું.