મહાવિકાસ આઘાડીમાં માથાકૂટ ન થાય એ માટે શરદ પવારની ઉપરાઉપરી બેઠક

મુંબઈ: લોકસભાની ચૂંટણી વખતે પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ થઇ હતી અને આગામી વિધાનસભાની ચૂંટણી માટે પણ આ મુદ્દે માથાકૂટ શરૂ છે. એવામાં શરદ પવારે મહાવિકાસ આઘાડીમાં છેલ્લી ઘડી સુધી આ સમસ્યા ન રહે એ માટે અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દીધા છે.
શરદચંદ્ર પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના વડા શરદ પવાર પોતાના નિવાસસ્થાને આ માટે સાથી પક્ષોના ટોચના નેતાઓ સાથે એક પછી એક બેઠકો યોજી રહ્યા છે. બુધવારે પવારે કૉંગ્રેસના ટોચના નેતાઓને પોતાના નિવાસસ્થાન ‘સિલ્વર ઑક’ ખાતે બોલાવી તેમની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે બેઠકોની વહેંચણીના મુદ્દે સવિસ્તર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જે પણ બેઠકો પર મહાવિકાસ આઘાડીના વિધાનસભ્યો પહેલાથી જ છે તે બેઠકો છોડીને અન્ય બેઠકો અંગે બેઠકોની વહેંચણી દરમિયાન ચર્ચા કરવાની વાત થઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પવારે જે બેઠકો પર મહાવિકાસ આઘાડીના વિધાનસભ્યો નથી તે વિસ્તારની પરિસ્થિતિ સમજી ત્યાં ક્યા પક્ષનો ઉમેદવાર ઊભો કરવો તે વિશે નિર્ણય લેવામાં આવશે.
થોડા જ દિવસો પૂર્વે એક હોટેલમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ અને શરદ પવાર જૂથના નેતાઓની બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં પણ વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. શરદ પવાર જૂથ સરખી બેઠકો પર ચૂંટણી લડવા તત્પર હોઇ મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ લગભગ 90થી 95 બેઠકો પર ઉમેદવાર ઊભા કરશે તેવી ગણતરી છે.