ફડણવીસે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર માટે સમર્થન માગ્યું હતું, પરંતુ મેં અસમર્થતા વ્યક્ત કરી: શરદ પવાર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ફડણવીસે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર માટે સમર્થન માગ્યું હતું, પરંતુ મેં અસમર્થતા વ્યક્ત કરી: શરદ પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શુક્રવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન માટે સમર્થન માગવા માટે ફોન કર્યો હતો, પરંતુ તેમણે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી.

અહીં પત્રકારો સાથે વાત કરતા સિનિયર પવારે કહ્યું, ‘વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ પહેલેથી જ પોતાની ઉમેદવારીપત્રક દાખલ કરી દીધું છે. ભલે અમારી પાસે એનડીએ કરતાં ઓછા મત હોય, અમે ચિંતિત નથી,’ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: કાંટે કે ટક્કરઃ ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ નોંધાવી ઉમેદવારી, આપ્યું મહત્ત્વનું નિવેદન

પવારે એમ પણ કહ્યું હતું કે વિપક્ષે સર્વાનુમતે રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
‘વિપક્ષના બધા મત રેડ્ડીને જશે. તે તેની તાકાત જાણે છે. અમને કોઈ અપસેટની અપેક્ષા નથી,’ એમ તેમણે કહ્યું હતું.
દેશના બીજા ક્રમના સર્વોચ્ચ બંધારણીય પદ માટેની ચૂંટણી નવ સપ્ટેમ્બરે યોજાવાની છે.

‘એનડીએ ઉમેદવાર અમારી વિચારધારા સાથે મેળ ખાતા નથી. જ્યારે તેઓ ઝારખંડના રાજ્યપાલ હતા, ત્યારે મુખ્ય પ્રધાન હેમંત સોરેન સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે સોરેન રાજ્યપાલને મળવા ગયા ત્યારે તેમની રાજભવન ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: જાણો કોણ છે ઈન્ડિ ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી?

‘આ સત્તાના દુરુપયોગનું એક સ્પષ્ટ ઉદાહરણ હતું અને આવા ઉમેદવાર માટે સમર્થનની અપેક્ષા રાખવી યોગ્ય નથી. તેથી મેં મુખ્ય પ્રધાનની વિનંતી સ્વીકારવામાં મારી અસમર્થતા વ્યક્ત કરી હતી,’ એમ પવારે કહ્યું હતું.

ફડણવીસે ગુરુવારે રાધાકૃષ્ણન માટે પવાર અને શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ટેકો માગ્યો હતો.

સેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ફડણવીસ ઉપરાંત, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને એનડીએના ઉમેદવારને સમર્થન આપવા વિનંતી કરી હતી.

એનસીપી (એસપી) અને શિવસેના (યુબીટી) મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)નો ભાગ છે. આ ત્રણેય પક્ષો રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ઈન્ડી ગઠબંધનના ઘટકપક્ષો છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button