વહુએ સાસરિયે જ રહેવું જોઇએ: શરદ પવાર જૂથના ઉમેદવારનો બફાટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના ઉમેદવાર દ્વારા પ્રચારસભાઓ ગજાવવામાં આવી રહી છે, જેમાં એકબીજા પર જોરદાર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જોકે, જુસ્સામાં આવીને અનેક ઉમેદવારો વિવાદાસ્પદ નિવેદનો પણ આપી દેતા હોય છે. આવું જ એક નિવેદન શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના એક ઉમેદવારે પ્રચાર સભા દરમિયાન આપ્યું હતું.
બીડના શરદ પવાર જૂથના ઉમેદવાર બજરંગ સોનવણેએ જાહેરમાં અજિત પવાર જૂથના બારામતીના ઉમેદવાર તેમ જ અજિત પવારના પત્ની સુનેત્રા પવારની ટીકા કરતા કહ્યું હતું કે વહુ પોતાના સાસરે જ રહેવી જોઇએ. સોનવણેના આ નિવેદન પર ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભાજપે આ પ્રકારના નિવેદનો આપીને મહિલાઓનું અપમાન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રવક્તા રામ કુલકર્ણીએ ટીકા કરતા કહ્યું હતું કે પુરોગામી(મોડર્ન) વિચાર ધરાવતા હોવાનો ઢંઢેરો પીટનારા બહેનો અને માતાઓનું આ રીતે અપમાન કરે છે. તેમણે આવા નિવેદન બદલ માફી માગવી જોઇએ.
આ પહેલા શરદ પવારે પણ અજિત પવારના પત્ની સુનેત્રા પવારને ઘરની વહુ બહારની થઇ ગઇ એવું નિવેદન આપતા હોબાળો મચ્યો હતો. બારામતી ખાતે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સૂળે એકબીજાની વિરુદ્ધ ચૂંટણીમાં ઉતર્યા છે. એક જ કુટુંબની બે મહિલાઓ આમને સામને હોવાથી બધાની નજર આ બેઠક પર કોણ જીતે છે તેના પર છે અને આ પ્રતિષ્ઠાની જંગ તરીકે જોવામાં આવી રહી હોવાથી એકબીજા પર તીખા પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે.