ડિયર બાબા, જન્મદિવસના દિવસે શરદ પવારને દીકરીએ લખ્યો પત્ર
ભારતીય રાજકારણમાં જેમણે 50 કરતા વધારે વર્ષ કાઢી નાખ્યા તે એનસીપીના સુપ્રીમો શરદ પવારનો આજે 84મો જન્મદિવસ છે. રાજકારણી તરીકે તેમની મુત્સદીગીરીથી સૌ વાકેફ છે અને તમામ પક્ષના નેતાઓ તેમની રણનીતિને માને છે, પરંતુ હાલમાં તેમના જ ભત્રીજા અજિત પવારએ પક્ષમાં ભંગાણ કરી બળવો કર્યો છે અને મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે સત્તાના ભાગીદાર બન્યા છે.
આ ઘટનાક્રમના આર્કિટેક્ટ શરદ પવાર હોવાનું પણ ઘણા કહે છે, પરંતુ અજિત પવારની નારાજગીનુ એક કારણ શરદ પવારની પુત્રી અને એક માત્ર સંતાન સાંસદ સુપ્રિયા સુળે હોવાની ચર્ચાઓ પણ થયા જ કરે છે. સુપ્રિયાને પિતાનો રાજકીય વારસો મળે તો ભત્રીજા અજિતના ભાગમાં શું આવે તેવી ચર્ચાઓ થતી રહે છે.
અજિત અને સુપ્રિયાના સંબંધોમાં તણખા ઝર્યા કરતા હોય છે ત્યારે પિતાએ આ ઉંમરે પક્ષમાં ભંગાણ સહન કરવાનો વારો આવ્યો તે બાબતે દીકરી તરીકે તેને દુઃખ થાય તે સમજી શકાય. આથી તેણે પિતાના જન્મદિવસે તેમને એક ભાવુક પત્ર લખ્યો છે. જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
સુ્પ્રિયાએ પોસ્ટમાં લખયું છે
પ્રથમ લડાઈ જનહિતની છે !!!
પ્રિય પપ્પા, આજે તમારો જન્મદિવસ છે. વાસ્તવમાં તે અમારા માટે માત્ર જન્મદિવસ છે, તમારા માટે દરેક અન્ય દિવસની જેમ. લોકો તમને કહે અને તમે લોકોને કહો.
સાહેબ, લોકોની શુભેચ્છાઓ, આશીર્વાદ અને ડોક્ટરોના અમૂલ્ય સહયોગને કારણે આજે તમે 83 વર્ષ પૂર્ણ કરી રહ્યા છો. આ ખૂબ જ આનંદની વાત છે. અમે બધા તેમના હૃદયપૂર્વક આભારી છીએ.
ગઈકાલે પણ તમે ડુંગળીના મુદ્દે નાશિકના રસ્તાઓ પર ભૂમિપુત્રોને મળ્યા હતા. હું અહીં સંસદમાં તે જ રીતે લોકોના પ્રશ્ર્નોનો પડઘો પાડવા મારી સંપૂર્ણ શક્તિ લગાડી રહી છું.
ઘણા લોકોએ મને પૂછ્યું કે શું હું આજે સંઘર્ષ યાત્રા માટે નાગપુર આવીશ. પરંતુ તમારા દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ હું અમારા બારામતી લોકસભા મતવિસ્તાર અને રાજ્યના લોકોના પ્રશ્નો સાથે ગૃહમાં લડી રહી છું. આજી શારદાબાઈ (બાઈ) અને દાદા ગોવિંદરાવ આબા દ્વારા આપણને સોંપવામાં આવેલા લોકસેવાના કાર્યો માટે આપણે આજીવન કટિબદ્ધ છીએ. જનકલ્યાણ એજ તમારો ઉદ્દેશ અને આનંદ છે અને તેને પરિપૂર્ણ કરવામાં અમે તમારો સાથે આપીએ એ જ તમારા જન્મદિવસની ખરીઉજવણી છે.
સંઘર્ષ અને મુશ્કેલીના આ કાળમાંથી આપણે બધા બહાર આવશું તેનો અમને વિશ્વાસ છે.
લડશું અને જીતશું.
બાબા, તમને જન્મદિવસની શુભેચ્છાઓ!