ગૃહપ્રધાનપદની શાન જાળવી રાખો: અમિત શાહની ટિપ્પણી પર શરદ પવારનો જવાબ
મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની એવી ટિપ્પણીને વાહિયાત ગણાવી હતી કે 20 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતથી 1978માં તેમના દ્વારા શરૂ કરાયેલા વિશ્ર્વાસઘાત અને દગાબાજીના રાજકારણનો અંત આવ્યો હતો.
‘હું 1978માં મુખ્ય પ્રધાન હતો. ત્યારે મને તેઓ ક્યાં હતા તે વિશે ખબર નથી. જ્યારે હું મુખ્ય પ્રધાન હતો, ત્યારે મારી કેબિનેટમાં જનસંઘના ઉત્તમરાવ પાટિલ જેવા લોકો હતા,’ એમ પવારે મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું.
ગૃહ પ્રધાનપદની શાન જાળવી રાખવી જોઈએ, એમ જણાવતાં એનસીપી (એસપી)ના વડાએ વર્તમાન સમયના રાજકીય નેતાઓ વચ્ચે વાતચીતના અભાવ પર ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘પહેલાં રાજકીય નેતાઓ વચ્ચે ‘સુસંવાદ’ (સારી વાતચીત) હતો, પરંતુ હવે તે ખૂટે છે.’
‘મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી 1978માં શરદ પવાર દ્વારા શરૂ કરાયેલી અસ્થિરતા અને પીઠમાં છરા મારવાની રાજનીતિનો અંત આવ્યો. તમે (લોકોએ) આવી રાજનીતિને જમીનમાં 20 ફૂટ ઊંડે દાટી દીધી છે,’ એમ શાહે રવિવારે શિરડીમાં ભાજપના રાજ્ય સ્તરના સંમેલનને સંબોધતા કહ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપના વિજયથી શરદ પવારની ‘વિશ્વાસઘાત’ની રાજનીતિનો આવ્યો અંત: અમિત શાહ
પવારે યાદ કરાવ્યું હતું કે, તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભુજમાં ભૂકંપ પછી વિરોધ પક્ષમાં હોવા છતાં તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા.
આ દેશે ઘણા ઉત્તમ ગૃહપ્રધાનો જોયા છે, પરંતુ તેમાંથી કોઈને પણ તેમના રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા નહોતા, એમ પવારે કહ્યું હતું. સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસના સંબંધમાં 2010માં ગુજરાતમાંથી બે વર્ષ માટે અમિત શાહને તડીપાર કરવામાં આવ્યા હતા તેના સ્પષ્ટ સંદર્ભમાં તેમણે આમ કહ્યું હતું. 2014માં તેમને બધા આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
‘જ્યારે તેઓ (શાહ) ગુજરાતમાં રહી શક્યા નહીં (હકાલપટ્ટી થયા પછી), ત્યારે તેઓ મદદ માટે બાળાસાહેબ ઠાકરે પાસે ગયા હતા,’ એમ પવારે કહ્યું હતું.