આમચી મુંબઈ

સરકારે સમજાવવું જોઈએ કે અમેરિકા દ્વારા મધ્યસ્થીને શા માટે મંજૂરી આપવામાં આવી: શરદ પવાર…

સંસદના વિશેષ સત્રને બદલે સર્વપક્ષી બેઠકની તરફેણ કરી

મુંબઈ: એનસીપી (એસપી)ના નેતા અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શરદ પવારે સોમવારે લશ્કરી સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં ભારત અને પાકિસ્તાન સંબંધિત મુદ્દાઓમાં અમેરિકા દ્વારા ‘મધ્યસ્થી’ અંગે કેન્દ્ર સરકારે ખુલાસો કરવો જોઈએ એવી માગણી કરી હતી. કોંગ્રેસ અને અન્ય પક્ષો પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછીના વિવિધ વિકાસની ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી રહ્યા છે, ત્યારે શરદ પવારે સર્વપક્ષી બેઠક બોલાવવાની તરફેણ કરી હતી.

આ પહેલી વાર છે કે કોઈ અમેરિકન સત્તાવાળાએ આપણા સ્થાનિક મુદ્દા વિશે જાહેરમાં વાત કરી છે, જે સારું નથી, એમ પવારે પત્રકારોને જણાવ્યું હતું, દેખીતી રીતે ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ‘યુદ્ધવિરામ’ની જાહેરાત કરવામાં આવી હતી તેના સંદર્ભમાં તેઓ બોલી રહ્યા હતા.

પવારે કહ્યું કે શિમલા સંધિ ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનો વચ્ચેનો એક વિશિષ્ટ કરાર છે, જે જાળવી રાખે છે કે બે પડોશી દેશો સંબંધિત મુદ્દાઓમાં કોઈ તૃતીય પક્ષ હસ્તક્ષેપ કરશે નહીં. આ બંને દેશોના વડા પ્રદાનો વચ્ચેનો કરાર છે. આ સંદર્ભમાં, યુએસની મધ્યસ્થી માટેની આવશ્યકતા વિશે પ્રશ્ર્નો પૂછવામાં આવી રહ્યા છે. સરકારે આનો જવાબ આપવો જોઈએ,’ એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે, શિમલા કરારમાં જણાવાયું છે કે બંને દેશો એકબીજા સાથે મળીને નિર્ણય લેશે. ‘આપણે ત્રીજા દેશને કેવી રીતે તેમાં સ્થાન આપી શકીએ?’ પવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પહલગામ ઘટના પછીના વિકાસની ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિરુદ્ધ નથી.

‘હું ખાસ સત્ર બોલાવવાની વિરુદ્ધ નથી. પરંતુ આ (લશ્કરી મુદ્દાઓ) એક સંવેદનશીલ બાબત છે, અને બધી બાબતો જાહેર કરી શકાતી નથી. કેટલીક બાબતો ગુપ્ત રાખવાની જરૂર છે. મને લાગે છે કે સર્વપક્ષી બેઠક (બોલાવવા) વધુ સારો વિકલ્પ છે,’ એમ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું.

‘ચાલો જોઈએ કે વડા પ્રધાન શું કહે છે,’ એમ શરદ પવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અંગે જણાવ્યું હતું. જ્યારે બંને દેશો સંપૂર્ણ સંઘર્ષની અણી પર હતા, ત્યારે ટ્રમ્પે શનિવારે જાહેરાત કરી કે ભારત અને પાકિસ્તાન ‘સંપૂર્ણ અને તાત્કાલિક’ યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને એવો દાવો કર્યો હતો કે આ અમેરિકી મધ્યસ્થી વાટાઘાટોનું પરિણામ છે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શનિવારે સાંજે જાહેરાત કરી કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સમજૂતી પર પહોંચ્યા છે.

આપણ વાંચો: Sataraની બેઠક કૉંગ્રેસને આપશે Sharad Pawar? Congressના આ દિગ્ગજ નેતાએ શું કહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button