આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવારના દાવપેચથી અજિત પવાર અને ફડણવીસ પરેશાન…

મુંબઈઃ મરાઠા નેતા શરદ પવારના એક જ પગલાએ મહાયુતિના બે દિગ્ગજ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને સ્તબ્ધ કરી દીધા છે. ફડણવીસના નજીકના ગણાતા ભાજપના મરાઠા નેતા સમરજિત સિંહ ઘાટગેને ભાજપમાંથી તોડીને તેમણે ફડણવીસ માટે જ નહીં પરંતુ અજિત પવાર અને તેમના નજીકના મંત્રી હસન મુશ્રીફની પણ મુશ્કેલીઓ વધારી દીધી છે. સમરજિત સિંહ ઘાટગે મંગળવારે ભાજપ છોડીને શરદ પવારની એનસીપીમાં જોડાયા હતા. શરદ પવાર તેમને અજિત પવારની નજીકના સાથી અને રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફની કોલ્હાપુરની કાગલ બેઠક પરથી વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતારશે એવું માનવામાં આવી રહ્યું છે.

૨૦૨૩ માં તેમના ભત્રીજા અજિત પવારને પ્યાદુ બનાવીને મરાઠા નેતા શરદ પવારના ‘રાજકીય નિધન’નું આયોજન કરનાર રાજકીય દિગ્ગજ માટે વિધાનસભાની ચૂંટણી પહેલા આ એક મોટો ફટકો છે. કારણ કે, પશ્ચિમ મહારાષ્ટ્રમાં પ્રભાવશાળી મરાઠા મતો અને સમર્થન મેળવવા માટે એનસીપીને તોડવામાં આવી હતી એ આખી હવે બરબાદ થતી જણાઈ રહી છે. હાલમાં કાગલ (કોલ્હાપુર)ના સમરજિતસિંહ ઘાટગે એકમાત્ર એવા મરાઠા નેતા નથી કે જેમને ૫૪ વર્ષના દેવેન્દ્ર ફડણવીસને બદલે ૮૩ વર્ષના શરદ પવાર સાથે પોતાનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત દેખાય છે. તેમના સિવાય ફલટણ (સતારા)ના રામરાજે નાઈક નિમ્બાલકર (અજિત પવાર જૂથ), ઈન્દાપુર  (પુણે)ના હર્ષવર્ધન પાટીલ (ભાજપ) પણ પવારના ‘રાજકીય આકર્ષણ’ હેઠળ છે. અગાઉ લોકસભા ચૂંટણીમાં શરદ પવારે માઢામાં ભાજપને જોરદાર હાર આપી હતી. પવારે પશ્ચિમ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના વંશજ કોલ્હાપુરના શાહુ મહારાજને ભાજપ સામે ચૂંટણી જીતાડીને તેમની રાજકીય કુશળતા બતાવી હતી.

પશ્ચિમ મહારાષ્ટ્ર એ શરદ પવારના રાજકીય વારસાની ગઢ છે. ભત્રીજા અજિત પવારના વિદ્રોહ પછી શરદ પવાર તેમનો આ ગઢ બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. સત્તાના આકર્ષણને કારણે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિનો હિસ્સો બનેલા મરાઠા નેતાઓ શરદ પવારના રાજકીય ગઢને બચાવવા નહીં તો પોતાની રાજકીય તાકાત બચાવવા શરદ પવાર પાસે પાછા ફરવા તૈયાર છે, કારણ કે તેઓ જાણે છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીમાં શરદ પવારનું જ ચાલવાનું છે.

ફડણવીસના તેમને રોકવાના પ્રયાસો છતાં, સમરજિત ઘાટગેએ ભાજપ છોડી દીધું કારણ કે કાગલ બેઠક અજિત જૂથના હસન મુશ્રીફને આપવાની હતી. ભાજપ કોઈપણ ભોગે આ બેઠક મેળવી શકે નહીં. ભાજપ ઘાટગેને વિધાન પરિષદની લાલચ આપી રહી હતી, પરંતુ ઘાટગે વિધાનસભા લડવા પર અડગ હતા. રાજ્યભરમાં લગભગ ૨૪ બેઠકો એવી છે કે જેના પર અજીત જૂથના ઉમેદવારો સામે ભાજપના ઉમેદવારો મજબૂત છે, પરંતુ તેમને ટિકિટ મળવાનો વિશ્વાસ નથી. આવા કેટલાક વધુ લોકો પણ ભાજપ છોડી શકે છે, ભાજપ નેતૃત્વને આ વાતની જાણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button