આજથી શનિ-શિંગણાપુરના મંદિરમાં માત્ર બ્રાન્ડેડ તેલનો અભિષેક, જાણો કારણ

મુંબઈઃ મહારાષ્ટ્રના ખૂબ જ જાણીતા શનિદેવના શનિ શિંગણાપુર મંદિરમાં આજથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં ભક્તો દ્વારા શનિદેવને તેલ ચડાવવાની પ્રથા છે. જોકે મંદિર ટ્રસ્ટે આજથી માત્ર શુદ્ધ બ્રાન્ડેડ તેલનો જ અભિષેક કરવાનો નવો નિયમ લાગુ કર્યો છે.
અહેમદનગરથી 35 કિલોમીટર દૂર આવેલા મંદિરમાં શનિગ્રહની શિલા છે. આ શિલા સ્વયંભૂ પ્રગટ થઈ હોવાનું માનવામા આવે છે. શનિદેવને પ્રસન્ન કરવા અહીં રોજ હજારો ભક્તો આવે છે. આ મંદિર શિરડીના સાંઈબાબાના મંદિરથી 70 કિલોમીટર દૂર છે અને દોઢ કલાકમાં અહીં પહોંચી શકાય છે. આથી શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્રમાં આ બન્ને તીર્થસ્થાનોના દર્શન કરવા ઉમટે છે.
ગયા મહિનાની 15મી તારીખે શનિશિંગણાપુરના મંદિરેમાં શનિદેવને માત્ર શુદ્ધ તેલથી અભિષેક કરવાનો નિર્ણય લેવાયો હતો અને જાહેરાત કરવામાં આવી હતી કે તેનો અમલ આજથી થશે.
આ પણ વાંચો…પરભણીનો એક યુવાન મૃત્યુ પામ્યો, પણ પાંચને જીવન આપતો ગયો
ટ્રસ્ટે આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે શનિદેવની શીલા પર કેમિકલયુક્ત, અશુદ્ધ તેલના અભિષેકને કારણે શિલાને નુકસાન પહોંચી રહ્યું છે. ઘણા ભક્તો વિવિધ પ્રકારના ખાદ્ય તેલ, છૂટક તેલ અથવા મિક્સ તેલ લાવીને અભિષેક કરે છે. આથી માત્ર શુદ્ધ, રિફાઈન્ડ સારી બ્રાન્ડનું તેલ જ વાપવામાં આવે તેવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કેવો પ્રતિસાદ મળે છે અને ભક્તો આ નિયમનો અમલ કરે છે કે નહીં તે કઈ રીતે નક્કી કરી શકાશે તે અલગ વાત છે.
જોકે છાશવારે એ જાણમાં આવે છે કે ખાદ્યતેલોમાં ભેળસેળ આવે છે અને લોકો આવું જ તેલ ખાવા મજબૂર બને છે. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા આવું તેલ વારંવાર જપ્ત કરવામાં આવે છે, પરંતુ આ પ્રેક્ટિસ બંધ નથી થતી. તો હવે ભગવાન અને ભક્તો બન્નેને જ શુદ્ધ તેલ મળે તેવી વ્યવસ્થા થાય તેવી આશા રાખીએ.