આમચી મુંબઈ

શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપીને ઝટકો

રોહિત પવારની કંપનીના એકમને બંધ કરવાનો એમપીસીબીનો આદેશ

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વિધાનસભ્ય રોહિત પવારની કંપની બારામતી એગ્રો લિમિટેડનો એક હિસ્સો બંધ કરવાની નોટિસ મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી ગુરુવારે મળી હોવાની સ્પષ્ટતા શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી.

શરદ પવારનો પૌત્ર રોહિત પવાર બારામતી એગ્રો લિમિટેડના સીઈઓ છે ખાંડ, ઈથેનોલ, ઉર્જા નિર્મિતી, કૃષિ પેદાશોનો વેપાર અને પ્રાણી તેમજ મરઘાં- બતકની ખાદ્ય સામગ્રીના ક્ષેત્રમાં વ્યવસાય કરે છે. કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ બારામતીમાં છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રોહિત પવારે જણાવ્યું હતું કે તિરસ્કારની ભાવનાની રાજનીતિમાં ’બે વગદાર નેતા’ના કહેવાથી મધરાત પછી રાતના બે વાગ્યે તેમને એમીસીબીની નોટિસ મળી હતી જેમાં કંપનીનું એક એકમ બંધ કરવાનો નિર્દેશ હતો. પોતે અલગ અલગ મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવતા હોવાથી એમપીસીબીએ રાજકારણ પ્રેરિત આ નિર્ણય લીધો હતો. (પીટીઆઈ)

બોમ્બે હાઇ કોર્ટે વચગાળાની રાહત આપી
મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વિધાનસભ્ય રોહિત પવારને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) દ્વારા તેમની કંપની બારામતી એગ્રો લિમિટેડના એક એકમને બંધ કરવાના આપવામાં આવેલા આદેશ સામે બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે ૬ ઓક્ટોબર સુધી સ્ટે આપતા વિધાનસભ્યને રાહત મળી છે. ન્યાયમૂર્તિ નીતિન જામદારની ખંડપીઠે જણાવ્યું હતું કે એકમને બંધ કરવાના આદેશને પડકારતી બારામતી એગ્રોએ દાખલ કરેલી અરજીની સુનાવણી ૬ ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે અને ત્યાં સુધી સત્તાધીશોએ એમપીસીબીના આદેશ અનુસાર વર્તવું નહીં.

વકીલ અક્ષય શિંદે મારફત દાખલ કરવામાં આવેલી અરજીમાં હાલના રાજકીય વાતાવરણમાં અરજદાર કંપનીના ડિરેક્ટર રોહિત પવાર પર દબાણ લાવવા એમપીસીબીએ આ ચુકાદો આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. શરદ પવારના પૌત્ર રોહિત પવાર બારામતી એગ્રોના સીઈઓ છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારના નેતૃત્વ હેઠળનું એનસીપીનું બીજું જૂથ હાલ શિવસેના – ભાજપ સરકારનો હિસ્સો છે. અરજીમાં જણાવ્યા અનુસાર કંપની એકમ ચલાવવા નિયત સમયે જરૂરી પરવાનગીઓ લેતી રહી છે અને ૨૦૨૨માં તેને પર્યાવરણની લીલી ઝંડી પણ મળી ગઈ હતી.
એમપીસીબીનું કહેવું છે કે પુણે સ્થિત એકમના પરીક્ષણ વખતે કેટલાક દોષ જોવા મળ્યા હતા. થોડા દિવસ પહેલા એમપીસીબીએ કંપનીને કારણ દર્શક નોટિસ આપી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button