નવી મુંબઈમાં સેક્સ રૅકેટ: બાંગ્લાદેશી સહિત બે મહિલાની ધરપકડ

થાણે: તળોજામાં ચાલતા સેક્સ રૅકેટનો પર્દાફાશ કરી નવી મુંબઈ પોલીસે બાંગ્લાદેશી નાગરિક સહિત બે મહિલાની ધરપકડ કરી હતી.
નવી મુંબઈ પોલીસની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના સિનિયર ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઘોરપડેએ જણાવ્યું હતું કે તળોજાના હાઉસિંગ કોમ્પ્લેક્સના એક ફ્લૅટમાંથી સેક્સ રૅકેટ ચલાવવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે મંગળવારે કાર્યવાહી કરી એક બાંગ્લાદેશી યુવતીને છોડાવવામાં આવી હતી.
પોલીસે પહેલાં બોગસ ગ્રાહકને મોકલાવી માહિતીની ખાતરી કરી હતી અને પછી ફ્લૅટ પર રેઈડ કરી હતી. સેક્સ રૅકેટ એક મહિલા હસીના મુશરફ ખાન (30) ચલાવતી હોવાનું તપાસમાં જણાયું હતું. ગ્રાહકોને સાલિયા શફીક ખાન (39)ને ઑનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવતું હતું. પોલીસે બન્ને મહિલાની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલી હસીના બાંગ્લાદેશની વતની છે, જ્યારે સાલિયા કોલકતાની છે. છોડાવાયેલી યુવતી બાંગ્લાદેશી હોઈ તેને ચેમ્બુરના મહિલા સુધાર ગૃહમાં મોકલી દેવાઈ હતી. આ પ્રકરણે આરોપીઓ વિરુદ્ધ તળોજા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)