પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલો સેક્સ રૅકેટનો આરોપી પશ્ર્ચિમ બંગાળમાં પકડાયો

થાણે: સેક્સ રૅકેટના કેસમાં ધરપકડ બાદ નવી મુંબઈ પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલો આરોપી પશ્ર્ચિમ બંગાળમાં પકડાયો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ સાહિલ ઉર્ફે શૈન શિરાજુલ મંડલ (38) તરીકે થઈ હતી. નવી મુંબઈમાં કાર્યવાહી કરી પોલીસે 14 માર્ચે દેહવેપાર સંબંધી કેસમાં મંડલની ધરપકડ કરી હતી. આરોપીને નેરુળ પોલીસ સ્ટેશનના લૉકઅપમાં રાખવામાં આવ્યો હતો, એમ એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના સિનિયર ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઘોરપડેએ જણાવ્યું હતું.
બીજે દિવસે, 15 માર્ચે પોલીસ તપાસ દરમિયાન આરોપી કસ્ટડીમાંથી રફુચક્કર થઈ ગયો હતો. આરોપીની શોધ માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી પશ્ર્ચિમ બંગાળમાં ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : ગુનાઓ પર નિયંત્રણ માટે થાણે પોલીસે કરી નવતર પહેલ, સીસીટીવી સર્વેલન્સ પહેલ શરૂ…
વેસ્ટ બંગાળ પહોંચેલી ટીમે સ્થાનિક પોલીસની મદદથી મંડલને ઉત્તર દિનાજપુર જિલ્લામાં આવેલા તેના વતન પિત્તારી ગામેથી તાબામાં લીધો હતો. 18 માર્ચે ફરી પકડાયેલા આરોપીને નવી મુંબઈ લાવવામાં આવ્યો હતો. નવી મુંબઈની મૅજિસ્ટ્રેટ કોર્ટે તેને 21 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. કસ્ટડીમાંથી ફરારા થવા પ્રકરણે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)