મુંબઈ-અમદાવાદ હાઈ વે પર મહાજામઃ પાલઘરમાં 500 જેટલા બેહાલ વિદ્યાર્થીને સ્થાનિકોએ કરી મદદ…

મુંબઈઃ દેશના મોટા ભાગના હાઈ વે પર ટ્રાફિકજામ હોય છે, પરંતુ દિવાળીના તહેવારો અને વેકેશનને લીધે શહેરોમાં અને હાઈ વે પર સખત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ વેની વાત કરીએ તો અહીં છેલ્લા ઘણા દિવસથી વાહનોની કતારો લાગી છે અને લોકોએ કલાકો સુધી રસ્તા પર પોતપોતાના વાહનોમાં બંધ થઈને બેસવું પડે છે.
આવી જ એક ઘટનામાં મુંબઈ-અમદાવાદ હાઈ વે પરના સખત ટ્રાફિકને કારણે 500 જેટલા વિદ્યાર્થી 12 કલાક સુધી ફસાઈ ગયા હતા. ભૂખ અને તરસને લીધે આ વિદ્યાર્થીઓના બેહાલ થયાના અહેવાલો આવી રહ્યા છે.

થાણે અને મુંબઈના વિદ્યાર્થી ફસાયા
અલગ અલગ સ્કૂલ અને કૉલેજના મુંબઈ અને થાણેના લગભગ 500 જેટલા વિદ્યાર્થીને લઈને 12 બસ મંગળવારે સાંજે 5 વાગ્યાથી બુધવારે સવાર સુધી વસઈ પાસે અટવાઈને પડી હતી. આ વિદ્યાર્થીઓ સ્કૂલ પિકનિકમાંથી પાછા આવી રહ્યા હતા અને તેમણે કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા રહેવું પડ્યું હતું.
સ્થાનિકો આવ્યા મદદે
બાળકોની આવી સ્થિતિની જાણ થતાં સ્થાનિકો અને સામાજિક કાર્યકરો મદદ માટે દોડ્યા હતા. તેમણે તેમને બિસ્કીટ અને પાણી આપ્યા હતા અને ડ્રાઈવરને પણ ભીડભાડમાંથી બસ કાઢવામાં મદદ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર બાળકોની હાલત ખૂબ જ ખરાબ હતી.
એક તરફ થાણેના ઘોડબંદર સ્ટેટ હાઈવે પર ડાયવર્જન હોવાથી જામ છે અને મુંબઈ-અમદાવાદ હાઈ વે પર પણ વાહનો હલતા ન હોવાથી આવી સ્થિતિ ઊભી થઈ છે. તો બીજી બાજુ બાળકો આ રીતે ફસાયેલા હોવાથી માતા-પિતાની હાલત પણ કફોડી બની હતી. આ મામલે સ્કૂલ તરફથી કોઈ માહિતી મળી નથી.
આ પણ વાંચો…થાણે-ભિવંડી રોડના ભારે ટ્રાફિક જૅમમાં એમ્બ્યુલન્સ ફસાઇ ને યુવકે દમ તોડ્યો…