શિંદે અને અન્યો સામેની અપાત્રતાના નિર્ણય માટે ટાઈમલાઈન નક્કી કરો: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: મહારાષ્ટ્રના વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટે સોમવારે મુખ્ય પ્રધાન અને અન્ય વિધાનસભ્યોની સામેની અપાત્રતાની પિટિશન પર નિર્ણય લેવા માટે સમયબદ્ધ કાર્યપદ્ધતિ ઘડી કાઢીને તેની માહિતી એક અઠવાડિયામાં કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જૂન-૨૦૨૨માં શિવસેનાના એક જૂથે ભાજપ સાથે નવી સરકારનું ગઠન કર્યું તેને લઈને આ વિધાનસભ્યો સામે અપાત્રતાની પિટિશન દાખલ કરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ૧૧ મેના રોજ આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંક્યો હતો, જેમાં સ્પીકરને અપાત્રતા અરજી અંગે ‘વાજબી સમય’માં નિર્ણય લેવામાં જણાવવામાં આવ્યું હતું. સ્પીકરે સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠાનું સન્માન કરવું જોઈએ અને તેમના ચુકાદાનું પાલન કરવું જોઈએ, એમ પણ ખંડપીઠે કહ્યું હતું. સ્પીકરનો પક્ષ માંડવા કોર્ટમાં ઉપસ્થિત થયેલા સોલિસિટર જનરલ
તુષાર મહેતાને ખંડપીઠે કહ્યું હતું કે અપાત્રતા પિટિશન અંગે નિર્ણય લેવા માટે સ્પીકર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સમયબદ્ધ કાર્યક્રમ અંગેની માહિતી આપવી.
સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશના ગૌરવ અને આદરનું જતન કરવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ એમ જણાવતાં બેન્ચે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી શિંદે અને અન્ય વિધાનસભ્યોની અપાત્રતા અંગે દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી બે અઠવાડિયા બાદ રાખી હતી.
સ્પીકર બંધારણના ૧૦મા શેડ્યુલ હેઠળ લવાદ છે અને લવાદ તરીકે તેઓ અદાલતના કાર્યક્ષેત્રને અધીન હોય છે, એમ જણાવતાં ખંડપીઠે ઉમેર્યું હતું કે ૧૧ મેના ચુકાદા સંબંધી અપાત્રતાની પડતર પિટિશન પર હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હવે અમે એવો નિર્દેશ આપીએ છીએ કે સ્પીકરે એક જ અઠવાડિયામાં આ પિટિશન પર નિર્ણય લેવા માટેની સમયબદ્ધ કાર્યપદ્ધતિ નક્કી કરી નાખવી. સોલિસિટર જનરલે કોર્ટને આ પિટિશનના નિર્ણય અંગે ઘડી કાઢવામાં આવેલી કાર્યપ્રણાલી વિશેની માહિતી આપવી, એમ બેન્ચે કહ્યું હતું.
કોઈ ઉતાવળ કરીશ નહીં: નાર્વેકર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સુપ્રીમ કોર્ટે ૧૧ મેના રોજ શિવસેનાના સત્તા સંઘર્ષ પર ચુકાદો આપ્યો હતો અને ૧૬ વિધાનસભ્યની અપાત્રતાનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષે વાજબી સમયમાં લેવો એવું જણાવ્યું હતું. આ બાબતે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરતાં શિવસેનાના ઠાકરે જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી તેના પર સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયામાં અધ્યક્ષે અપાત્રતાની પિટિશન પર સુનાવણી ચાલુ કરવી એવો નિર્દેશ આપ્યાનું કહેવાય છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે અદાલતના નિર્દેશ મારા સુધી પહોંચ્યા નથી, પરંતુ હું કોઈપણ પ્રકારની ઉતાવળ કરીશ નહીં.
નાર્વેકરે સોમવારે સુપ્રીમ કોર્ટના ચુકાદાના અહેવાલો બાદ કહ્યું હતું કે અદાલતે આપેલા નિર્દેશ બાબતે હજી સુધી મારી પાસે કોઈ માહિતી આવી નથી. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી બાબતે હું પૂરી માહિતી
મેળવીશ. ત્યારબાદ આગળની કાર્યવાહી શું રહેશે તેનો નિર્ણય લઈશ.
તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશની પ્રત હજી સુધી મને મળી નથી. જ્યારે મને પ્રત મળશે ત્યારે આ બાબતે હું પૂરી માહિતી મેળવીશ.
ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કાર્યવાહી વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવશે. આમાં કોઈપણ પ્રકારનો વિલંબ કરવામાં આવશે નહીં, પરંતુ તેની સાથે જ કોઈપણ પ્રકારની ઉતાવળ પણ કરવામાં આવશે નહીં, જેનાથી કોઈ પક્ષને અન્યાય થઈ શકે, એમ પણ નાર્વેકરે જણાવ્યું હતું.