નવ વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ: આરોપીને 20 વર્ષની સખત કેદ…

મુંબઈ: ખાર વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં સેશન્સ કોર્ટે બાવન વર્ષના આરોપીને 20 વર્ષની સખત કેદ ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ બી.એસ. ગેરેએ આરોપી મનુવર ગેણુ મલિકને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને દંડની રકન ન ભરે તો વધારાના બે મહિનાની સજા સંભળાવી હતી.
ખાર પૂર્વમાં હુસેન ટેકડી નજીક રહેતી પીડિતા 18 ડિસેમ્બર, 2022ની સાંજે ઘરની બહાર તેની બહેનપણી સાથે રમતાં રમતાં પડોશમાં રહેનારા આરોપીના ઘરે જતી રહી હતી. એ સમયે આરોપી ઘરમાં હતો અને તેણે દરવાજો અંદરથી બંધ કરી પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના બાદ ગભરાયેલી બાળકી પોતાના ઘરે જઇને રડવા લાગતાં માતાએ પૂછપરછ કરી હતી, જેમાં તેણે તમામ હકીકત જણાવ્યા બાદ માતાએ નિર્મલનગર પોલીસ સ્ટેશનમાં ફરિરયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની બીજે દિવસે ધરપકડ કરાઇ હતી.
પોલીસે પીડિતાની બહેનપણી તથા અન્ય સાક્ષીદારોનાં નિવેદન નોંધ્યાં હતાં અને બાદમાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પીડિતા, તેની માતા તથા અન્ય સાક્ષીદારોને ચકાસવામાં આવ્યા હતા અને સેશન્સ કોર્ટે આરોપી મનુવર મલિકને દોષી ઠેરવીને 20 વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.



