Session કોર્ટે આરપીએફના બરતરફ કોન્સ્ટેબલ સામે આરોપો ઘડ્યા
મુંબઈ: મુંબઈના ડિંડોશીમાં આવેલી સેશન્સ કોર્ટે આજે રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ)ના બરતરફ કોન્સ્ટેબલ ચેતન સિંહ સામે આરોપો ઘડ્યા હતા. 31 જુલાઈ, 2023ના રોજ જયપુરથી મુંબઈ આવતી ટ્રેનમાં ફરજ દરમિયાન તેના વરિષ્ઠ સાથીદાર અને અન્ય ત્રણ મુસાફરની હત્યાનો ગુનો તેના સામે નોંધવામાં આવ્યો હતો.
સેશન્સ કોર્ટે બુધવારે આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરી સામે આરોપો ઘડતા સુનાવણી શરૂ કરવાનો માર્ગ મોકળો થયો હતો. આરોપીએ ગયા વર્ષે 31 જુલાઈએ ટ્રેનમાં ચાર જણા (ત્રણ મુસાફર અને તેના વરિષ્ઠ સાથીદાર)ની ગોળી મારીને હત્યા કરી હતી. ચૌધરીએ પહેલા અપરાધ સ્વીકાર્યો હતો, પણ પછી તેણે ફેરવી તોળ્યું હતું અને સુનાવણીનો આગ્રહ રાખ્યો હતો.
ચેતન સિંહ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને ૧૫૩એ (દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) હેઠળના આરોપો હેઠળ કેસ ચાલશે. તેને થઈ શકે એવી મહત્તમ સજા હત્યાના આરોપ માટે મૃત્યુદંડ છે.
આ પણ વાંચો: જયપુર-મુંબઈ ટ્રેન હત્યાકાંડ: ‘મામાજી… બ્રેકિંગ ન્યૂઝ જુઓ ‘, ચાર લોકોની હત્યા બાદ ચેતન સિંહનો પહેલો ફોન
આ ઉપરાંત આર્મ્સ એક્ટ અને ઈન્ડિયન રેલવે બોર્ડ એક્ટ એક્ટની સંબંધિત કલમો હેઠળ તેના પર મુકવામાં આવેલા આરોપોનો પણ તેણે સામનો કરવો પડશે. ચેતન સિંહ પર આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ટીકારામ મીણા અને ત્રણ મુસાફર – અસગર અલી અબ્બાસ, અબ્દુલ કાદર ભાનપુરવાલા અને સૈયદ સૈફુદ્દીનની હત્યાનો આરોપ છે.
આરોપી બુધવારે અકોલા જેલમાંથી સેશન્સ કોર્ટમાં હાજર થયો હતો. કેસની સુનાવણી શરૂ થતા પહેલા મુકવામાં આવેલા આરોપોમાં પોતે દોષી નથી એવું તેણે જણાવ્યું હતું.
ચેતન સિંહે ગયા વર્ષે જામીન અરજી દાખલ કરી હતી. પોતાની માનસિક સ્થિતિ બરાબર નહીં હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો. કોર્ટે ડિસેમ્બર ૨૦૨૩માં તેની જામીન અરજી નામંજૂર કરી હતી.