મધ્ય રેલવેમાં અકસ્માતનો સિલસિલો ચાલુ જઃ યુવકે ગુમાવ્યા બંને પગ
મુંબઈ: થોડા જ સમય પહેલા ટ્રેનમાંથી પડી જવાના કારણે કચ્છી યુવતીનું દુ:ખદ મૃત્યુ થયું હોવાની ઘટના મુંબઈમાં બની હતી ત્યારે ટ્રેન અકસ્માતનો બીજો બનાવ સામે આવ્યો છે. થાણેમાં અત્યંત ભીડ ધરાવતી ટ્રેનમાંથી પડી જવાના કારણે એક 30 વર્ષીય યુવકે પોતાના બંને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ ઘટના બાવીસ તારીખે રાતના દસ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં પગ ગુમાવનારો શખસ ભીડ ધરાવતી ટ્રેનના ફૂટબોર્ડ પર પ્રવાસ કરી રહ્યો હતો અને લોકોની વધુ ભીડના કારણે તે ટ્રેનમાંથી બહાર થાણે ખાડી નજીક પડી ગયો હોવાનું સિનિયર ઇન્સ્પેક્ટર અર્ચના ધુસણેએ જણાવ્યું હતું.
આ ઘટના બાદ જખમી થનારા જગન લક્ષ્મણ જાંગલેને કલવા ખાતે સરકારી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેના બંને પગ પરથી ટ્રેન ચાલી ગઇ હોવાનું ડૉક્ટરોને જણાયું હતું. જગન લક્ષ્મણ કલ્યાણનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કોઇએ પણ જગનને ધક્કો ન માર્યો હોવાનું કે પછી તેની સાથે મારપીટ કરી ન હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે કેસ નોંધવામાં આવ્યો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
જોકે આ ઘટના બાદ મધ્ય રેલવેમાં થઇ રહેલા અકસ્માતનો સિલસિલો હજી ચાલુ જ હોવાનું જણાય છે. રેલવે પ્રવાસી સંગઠનો દ્વારા રેલવેમાં અકસ્માતોને નિયંત્રણમાં લેવા માટે પગલાં લેવાની વારંવાર વિનંતી કરવામાં આવતી હોવા છતાં પ્રશાસન ઉદાસીન હોવાની ચર્ચા છે. જેને પગલે માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો અથવા તો હંમેશા માટે પોતાના શરીરના અંગ ગુમાવવાનો વારો આવે છે.