૧૯૯૩ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસઃ ૨ પૂર્વ એક્સાઇઝ અધિકારીને ૨૦ વર્ષ બાદ મળી રાહત
મુંબઈઃ ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં કથિત રીતે વિસ્ફોટકોને ઉતરાણ કરવાની મંજૂરી આપવા બદલ શિસ્તભંગની કાર્યવાહીના આદેશના ૨૦ વર્ષ પછી બોમ્બે હાઈ કોર્ટે બે નિવૃત્ત સેન્ટ્રલ એક્સાઈઝ અધિકારીને રાહત આપી છે.
ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે શિસ્તભંગની કાર્યવાહીના આદેશોને રદ કરતાં જણાવ્યું હતું કે વિભાગીય કાર્યવાહીમાં તેમની સામેના આરોપો સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.
હાઈ કોર્ટે કહ્યું હતું કે તેમની સામે એક માત્ર પુરાવા તરીકે તપાસ દરમિયાન આરોપીઓએ પોલીસને આપેલા કથિત કબૂલાતના છે, જે કોર્ટના મતે પૂરતાં નથી. સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના નિવૃત્ત સુપરિન્ટેન્ડન્ટ બંને અધિકારીઓ, એસએમ પડવળ અને યશવંત લોટાલે, પગાર અને પેન્શનના બાકીના તમામ લાભો માટે હકદાર રહેશે, જે તેમને બે મહિનાની અંદર ચુકવવામાં આવશે, એમ હાઈ કોર્ટે તેના ૪ માર્ચના ચુકાદામાં જણાવ્યું હતું.
પડવળ અને લોટાલે પર બોમ્બ વિસ્ફોટોમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો, શસ્ત્રો અને દારૂગોળો ધરાવતા માલસામાનને ઉતરાણની મંજૂરી આપવા માટે લાંચ સ્વીકારવાનો, ફરજની સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા જાળવવામાં નિષ્ફળતા અને સરકારી કર્મચારી તરીકે અયોગ્ય વર્તન કરવા બદલ આરોપ મૂકવામાં આવ્યો હતો.
૧૨ માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઈમાં જુદા જુદા સ્થળોએ ૧૨ બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. બાદમાં એક વિશેષ અદાલતે આ કેસમાં ૧૦૦ લોકોને દોષિત ઠેરવ્યા અને ૨૩ અન્યને નિર્દોષ જાહેર કર્યા હતાં.