Stock Market: શેરબજારમાં ત્રણ દિવસથી સતત ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી ઘટવાના આ છે પાંચ કારણ
મુંબઇ :ભારતીય શેરબજારમાં(Stock Market)છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ગગડીને 82000ની નીચે ગબડ્યો હતો. નિફ્ટી પણ 254 પોઈન્ટથી વધુ ઘટીને 25000 ની નીચે આવી ગયો છે. ત્યારે રોકાણકારોના મનમાં શેરબજાર સતત કેમ ઘટી રહ્યું છે તે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. જ્યારે માર્કેટમાં ઘટાડા માટે નિષ્ણાતો આ પાંચ કારણો જણાવી રહ્યા છે.
- યુએસ ફેડની મીટિંગ
માર્કેટ નિષ્ણાતોના મતે બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ આ મહિને ઝડપથી નજીક આવી રહેલી યુએસ ફેડની બેઠકમાં વ્યાજ દરમાં કાપની જાહેરાત અંગેની અનિશ્ચિતતા છે. જો ફેડ વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે તો બજારને ફાયદો નહિ થાય જ્યારે 50 બેસિસ પોઈન્ટ અથવા તેનાથી વધુ જાહેર કરશે તો વિશ્વભરના બજારોમાં ફાયદો જોવા મળી શકે છે.જો કે ફેડની બેઠક બાદ કોઇ જોખમ લેવા માંગતુ નથી. તેથી લોકો લોંગ પોઝીશન વેચી રહ્યા છે
- ઓવરબૉટની સ્થિતિ
આ અઠવાડિયે બુધવારથી ભારતીય શેરબજારમાં વેચવાલી શરૂ થઈ તે પહેલા 14 દિવસ સુધી બજારમાં તેજી જોવા મળી હતી. જેના લીધે ભારતીય શેરબજારને વેચાણની જરૂર હતી. એક ઈક્વિટી રિસર્ચ નિષ્ણાતે જણાવ્યું હતું કે ભારતીય શેરબજારમાં જરુંર કરતાં વધુ ખરીદી થઈ હતી અને વર્તમાનમાં વેચાણને માત્ર પ્રોફિટ બુકિંગ તરીકે જોવું જોઈએ.
- યુએસ ડૉલર
આ અંગે નિષ્ણાતે જણાવ્યું હતું કે ગત સપ્તાહે યુ.એસ. ફુગાવાના સરેરાશમાં થયેલા સુધારાથી અમેરિકી ડૉલર ઇન્ડેક્સને 7 મહિનાની નીચી સપાટીએ ગયા બાદ ફરી ઉછાળમાં મદદ મળી. ઈન્ડેક્સ હાલમાં 101 પોઈન્ટની નજીક છે એટલે કે અમેરિકી ડોલર ઈન્ડેક્સ છેલ્લા ત્રણ સત્રોમાં લગભગ એક ટકા જેટલો વધ્યો છે. જેનાથી વિદેશી ચલણ અને ટ્રેઝરી અને બોન્ડની માંગમાં વધારો થયો છે.
આ પણ વાંચો : Stock Market: શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે સપાટ ખૂલ્યું, સેન્સેક્સ- નિફ્ટીમાં ઘટાડો
- યુએસ જોબ ડેટા
બજાર નિષ્ણાતના મતે યુએસ જોબ ઓપનિંગ જુલાઈમાં સાડા ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું હતું, જેના કારણે યુએસના શ્રમ બજારમાં મંદી આવી હતી. જેની અસર ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક બજારો પર છે.
- અમેરિકામાં ફુગાવો
યુએસ લેબર માર્કેટમાં મંદીના ડરથી અમેરિકામાં ફુગાવાની ચિંતા ફરી વધી છે.જે યુએસ ફેડને દર ઘટાડવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા દબાણ કરી શકે છે. જો તે નરમ વલણ અપનાવે તો પણ બજારને ડર છે કે યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડો 25 બેસિસ પોઈન્ટથી વધુ ન થઈ જાય.