સ્કૂલના ટ્રસ્ટી પાસે માગી લાંચ: સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ

મુંબઈ: કાનૂની કાર્યવાહી માટે સ્કૂલના ટ્રસ્ટી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ શિવાજી નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી. સિનિયર ઇન્સ્પેક્ટર બાપુરાવ મધુકર દેશમુખે શિવાજી નગર વિસ્તારની એક સ્કૂલના જોઇન્ટ ટ્રસ્ટી એવા ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે ઑગસ્ટ, 2024માં સ્કૂલ ટ્રસ્ટના હરીફ જૂથ દ્વારા સ્કૂલના મુખ્ય પ્રવેશદ્વારનું તાળું તોડીને ગેરકાયદે રીતે કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પગલે ફરિયાદીએ દેશમુખનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીએ દેશમુખને વિનંતી કરી હતી કે જ્યાં સુધી ચેરિટી કમિશનર વિવાદ પર આદેશ ન આપે ત્યાં સુધી હરીફ જૂથને સ્કૂલમાં પ્રવેશતા અટકાવવામાં આવે.
દેશમુખે કહ્યું હતું કે તેઓ હરીફ જૂથને સ્કૂલમાં પ્રવેશતા અટકાવવા અને તેમની સામે ટ્રેસપાસનો કેસ દાખલ કરવામાં મદદ કરી શકે છે. આ માટે દેશમુખે ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે તડજોડને અંતે તેણે ત્રણ લાખ લેવાની તૈયારી દર્શાવી હતી.
દરમિયાન ફરિયાદીએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યા બાદ અધિકારીઓએ મંગળવારે છટકું ગોઠવીને દેશમુખને લાંચ લેતાં પકડી પાડ્યો હતો. દેશમુખ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
(પીટીઆઇ)