ખાનગી કંપનીના સિનિયર મેનેજરે ઓનલાઇન શેર ટ્રેડિંગ ફ્રોડમાં 3.96 કરોડ રૂપિયા ગુમાવ્યા

થાણે: થાણેમાં ખાનગી કંપનીના સિનિયર મેનેજરને ઓનલાઇન શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપીને 3.96 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. 48 વર્ષના ફરિયાદીએ મે અને ઑક્ટોબર દરમિયાન રૂપિયા ગુમાવ્યા હતા, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદીનો ત્રણ વ્યક્તિએ સંપર્ક સાધ્યો હતો, જેમાંથી એક જણે પોતાની ઓળખ વ્હૉટ્સઍપ ગ્રૂપના એડમિનિસ્ટ્રેટ શંકર રામરખિયાની તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે તે સિક્યુરિટીઝ કંપની સાથે જોડાયેલો છે, જ્યારે એક મહિલાએ પોતાનું નામ સુરક્ષા તરીકે આપ્યું હતું.
આપણ વાચો: થાણેના વેપારી સાથે 16.82 લાખની છેતરપિંડી: ચાર વિરુદ્ધ ગુનો…
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ ફરિયાદીને આકર્ષક વળતરનું વચન આપીને શેર્સ અને વિવિધ ઇક્વિટી માર્કેટ વ્યવહારોમાં રોકાણ કરવા માટે સમજાવ્યો હતો.
આરોપીઓ પર વિશ્ર્વાસ રાખી ફરિયાદીએ અનેક બૅંક અકાઉન્ટસમાં 3.96 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા બાદ આરોપીઓ ફરિયાદીના કૉલ્સ લેવાનું ટાળવા લાગ્યા હતા અને મેસેજનો પણ કોઇ જવાબ આપ્યો નહોતો. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
થાણે સાયબર પોલીસે આ ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ફરિયાદીએ જે બૅંક ખાતાંમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, તેની વિગતો પોલીસ મેળવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.



