સેના યુબીટી અને મનસે મરાઠી પ્રેમ માટે નહીં, પરંતુ બીએમસી કબજે કરવા માટે ભેગા થઈ રહ્યા છે: સરનાઈક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે, લોકો સમજદાર છે કે શિવસેના (યુબીટી) અને મનસેનું ભેગા થવાનું કારણ મરાઠી લોકોનું હિત નહીં, મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળવવાની લાલસા છે.
સરનાઈકે રવિવારે એમ પણ કહ્યું હતું કે શિવસેનાની શાખાઓમાં મરાઠી ભાષા શીખવા ઇચ્છુક લોકોને શીખવવામાં આવશે.
તેમણે નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેને મરાઠી માનુષને ન્યાય આપવા અને કેન્દ્ર સાથે ચર્ચા કરીને મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો અપાવવાનું શ્રેય આપ્યું હતું.
આપણ વાંચો: મીરા રોડમાં મરાઠી ન બોલવા બદલ દુકાનદારની મારપીટ: મનસેના સાત કાર્યકરો વિરુદ્ધ આરોપનામું દાખલ
શિંદેને લખેલા પત્રમાં, સરનાઈકે રવિવારે કહ્યું કે સેના (અવિભાજિત) પચીસ વર્ષ સુધી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) પર નિયંત્રણ રાખતી હતી.
આ સમયગાળા દરમિયાન, મરાઠી માનુષોને હોટેલ ઉદ્યોગ, રિયલ એસ્ટેટ અને સોના-ચાંદીના દાગીનાની દુકાનોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મરાઠી ભાષા પર રાજકારણ રમનારાઓએ ક્યારેય સામાન્ય મરાઠી લોકો વિશે વિચાર્યું નથી.
‘લોકો સમજે છે કે તેઓ (સેના યુબીટી અને મનસે) બીએમસીમાં સત્તા મેળવવા સાથે આવ્યા છે. તેમનો (સેના યુબીટીનો) આત્મા બીએમસીના ખજાનામાં અટવાઈ ગયો છે. સેના (યુબીટી)નું રાજકારણ ખૂબ જ સ્વાર્થી, નકલી અને વિશ્ર્વાસઘાતી રહ્યું છે. જેના કારણે તેમના સાથીદારો પક્ષ છોડી રહ્યા છે,’ એમ સરનાઈકે કહ્યું હતું.
આપણ વાંચો: મરાઠી ભાષા અને સંસ્કૃતિને દૂર દૂર સુધી ગુંજવા દો: અજિત પવાર…
પ્રાથમિક શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે રજૂ કરનારા બે જીઆરને રાજ્ય સરકાર દ્વારા પાછી ખેંચવાના નિર્ણયની ઉજવણી માટે મુંબઈમાં ‘વિજય’ રેલી દરમિયાન સેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે લગભગ 20 વર્ષ પછી ફરી ભેગા થયાના એક દિવસ પછી તેમની ટિપ્પણી આવી હતી.
સરનાઈકે કહ્યું હતું કે વરલીમાં યોજાયેલી વિજય રેલીમાં સ્વાર્થનો ધ્વજ હતો અને તેનો એજન્ડા બીએમસીમાં સત્તા કબજે કરવાનો હતો. મંત્રીએ કહ્યું કે સેના (યુબીટી)એ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના ખોટા નિવેદન સાથે મત મેળવ્યા, પરંતુ સ્થાનિક ભાષાના નામે રાજકારણ કર્યા પછી પણ મરાઠી શાળાઓને બચાવવામાં નિષ્ફળ રહી હતી.
‘મનસે અને સેના (યુબીટી) વારંવાર કહે છે કે તેઓ મરાઠીઓના હિતમાં ભેગા થયા છે. તો, તેઓ કોના હિત માટે વર્ષો પહેલા અલગ થયા હતા? મરાઠી, તેની સંસ્કૃતિ અને ભાષા અને મરાઠી માણસો પ્રત્યે તેમને કોઈ પ્રેમ નથી,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: હિન્દી-મરાઠી વિવાદ: શું 16 ભાષા શીખનારા સંભાજી મહારાજ મૂર્ખ હતા: શિંદેસેનાના વિધાનસભ્યનો સવાલ
રાજ ઠાકરેએ 2006માં તત્કાલીન અવિભાજિત શિવસેના છોડી દીધા પછી મનસેની સ્થાપના કરી હતી, અને ઉદ્ધવ ઠાકરેને દોષી ઠેરવ્યા હતા. સરનાઇકે દાવો કર્યો હતો કે સેના (યુબીટી)એ મરાઠી ભાષાના નામે મરાઠી માણસોને મૂર્ખ બનાવ્યા હતા.
મુંબઈથી દૂરના ઉપનગરો જેવા બદલાપુર, નાલાસોપારા અને વિરારમાં મરાઠી માણસોના સ્થળાંતર માટે કોને દોષ આપવો? એમ તેમણે પૂછ્યું હતું. સરનાઇકે કહ્યું કે રાજ ઠાકરેએ મરાઠીઓના હિતને સમર્થન આપવા માટે મનસેની સ્થાપના કરી હતી, જોકે, છેલ્લા 19 વર્ષોમાં પરિસ્થિતિ વધુ વણસી છે.
લોકો જાણે છે કે રાજ ઠાકરેના ભાષણો ફક્ત પ્રશંસા મેળવે છે અને મતોમાં પરિવર્તિત થતા નથી. સરનાઇકે મરાઠી માણસો અને મહારાષ્ટ્ર ધર્મના વારસા અને કારણને આગળ વધારવા બદલ એકનાથ શિંદેની પ્રશંસા કરી. તેમણે સામાન્ય મરાઠી લોકોને ન્યાય આપવા માટે અનેક માળખાગત પ્રોજેક્ટ્સ હાથ ધર્યા હોવાની વાત કરી હતી.
થાણેમાં પત્રકારો સાથે વાત કરતા, સરનાઇકે કહ્યું કે ભાયંદર સુધી વિસ્તરેલા તેમના ઓવાળા-માજીવાડા મતવિસ્તારમાં શિવસેનાની શાખાઓ અથવા સ્થાનિક કાર્યાલયોમાં મરાઠી ભાષા શીખવા ઇચ્છુક લોકોને શીખવવામાં આવશે.
તેમણે ભાયંદરના ઉત્તર ભારતીય દુકાનદાર પર મરાઠી ન બોલવા બદલ મનસે કાર્યકરો દ્વારા કરવામાં આવેલા હુમલાની પણ નિંદા કરી. ‘દેશના તમામ પ્રદેશોના લોકો ભાયંદરમાં સૌહાર્દપૂર્ણ રીતે રહી રહ્યા છે, જોકે, કેટલીક શક્તિઓએ દુકાનદારને માર મારીને આ સૌહાર્દપૂર્ણ વાતાવરણને દૂષિત કર્યું છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘આ વાતાવરણની પૃષ્ઠભૂમિ સામે, અમે શિવસેના શાખાઓમાં મરાઠી ભાષા અને શબ્દોનું મૂળભૂત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.