નવી મુંબઈમાં સલામતી સામે પ્રશ્ર્ન: સીસીટીવી કૅમેરાના કામમાં ઢીલ
નવી મુંબઈ: નવી મુંબઈમાં પ્રવેશ કરનાર પ્રત્યેક વ્યક્તિ તેમ જ શહેરના સાર્વજનિક સ્થળ પરની હિલચાલ પર ૧૧૯૨ સીસીટીવી કૅમેરા દ્વારા નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પણ નવી મુંબઈ મહાપાલિકામાં બહુચર્ચિત સીસીટીવી કેમેરાના કામમાં ઢીલ જોવા મળી રહી છે.
આ પરિસ્થિતિમાં કોન્ટ્રેક્ટરોને મુદત વધારો આપવામાં આવ્યો છે અને જો ઑક્ટોબરના અંત સુધીમાં કોન્ટ્રેક્ટરો કામ પૂર્ણ નહીં કરે તો તેમની પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવું કડક વલણ પાલિકા પ્રશાસને અપનાવ્યું છે.
પાલિકાના મુખ્યાલયમાં પહેલા માળે નિયંત્રણ કક્ષ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, શહેરમાં સીસીટીવી કેમેરાનું કામ હજી સુધી પૂર્ણ નથી થયું. ૧૧૯૨ કેમેરા શહેરભરમાં ચાંપતી નજર માટે ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, સુરક્ષાના દ્રષ્ટિકોણથી વધારાના કેમેરા બેસાડવાની સૂચનાને કારણે આ સંખ્યા ૧૬૦૫ સુધી પહોંચી છે, જ્યારે કોન્ટ્રેકટરોએ પ્રથમ ટેન્ડરમાં ઉલ્લેખ કરેલા ૧૧૯૨કેમેરાનું કામ તત્કાળ પૂરું કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોન્ટ્રેક્ટરોએ ૧૧૯૨માંથી ૯૦૦ કેમેરા બેસાડ્યા છે.
તત્કાલીન પાલિકા આયુક્ત અભિજિત બાંગરે શરૂઆતમાં કામનો આદેશ આપ્યો ત્યારે ૨૨ નવેમ્બર, ૨૦૨૨ સુધીમાં કામ પૂરું કરવાની મુદત આપવામાં આવી હતી. પાલિકાએ આ મુદત વધારી ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી કરી આપી હતી. જોકે, હજી કામ પૂરું ન થયું હોવાથી કોન્ટ્રેક્ટરોને દિવાળી પહેલા ઑક્ટોબર ૨૦૨૩ સુધીમાં ૧૧૯૨ કેમેરા બેસાડવા કહેવામાં આવ્યું છે અને જો એ કામ પૂર્ણ ન થાય તો દંડાત્મક કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.