થાણે જિલ્લાની 936 શાળા બની તમાકુમુક્ત
થાણે: થાણે જિલ્લાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સિગારેટ, ગુટખા જેવા તમાકુયુક્ત પદાર્થોના વ્યસનથી મુક્ત કરવા માટે જિલ્લા સરકારી હૉસ્પિટલ મારફત તમાકુમુક્ત શાળા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના સારા પરિણામો જણાઈ રહ્યા છે. 2019થી 2024ના સમયગાળામાં 936 શાળાઓને તમાકુમુક્ત કરવામાં પ્રશાસનને સફળતા મળી છે.
મોટેભાગે ધોરણ આઠમાંથી 10માં સુધીના વિદ્યાર્થીઓ કોઈને કોઈ કારણસર વ્યસનના માર્ગે જાય છે. તેમ જ શાળાના આસપાસના પરિસરમાં તમાકુયુક્ત પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છતાં છૂપી રીતે આ પદાર્થોનું વેચાણ શરૂ છે. તેમ જ શાળાના વિદ્યાર્થીઓમાં ઈ-સિગારેટના વપરાશમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર કરવા માટે 2017માં થાણે જિલ્લા સરકારી હૉસ્પિટલ દ્વારા ‘સલામ મુંબઈ’ સંસ્થા સાથે મળીને આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
સલામ મુંબઈ સંસ્થા દ્વારા એક એપ તૈયાર કરીને શાળાની નોંધણી કરીને એક ધોરણ નક્કી કરવામાં આવે છે. આ ધોરણ મુજબ શાળાને તમાકુમુક્ત બનાવવા માટે એક સમિતિની રચના કરવી, તમાકુના નિયંત્રણ માટે શાળાનું નિરીક્ષણ કરવું, વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી વગેરે નિયમો બનાવવામાં આવ્યા હતા. આ નિયમોને અમલમાંમૂકીને છેલ્લા સાત વર્ષમાં થાણે જિલ્લામાં 936 શાળાઓ તમાકુમુક્ત બની છે.
જે વિદ્યાર્થીઓ તમાકુ કે તમાકુયુક્ત પદાર્થોનું વ્યસન છે તે વિદ્યાર્થીઓના વાલીઓને આ અંગે જિલ્લા સરકારી હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવે છે. ત્યાર બાદ ડોકટરો દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી વિદ્યાર્થીઓને કેન્સર, ઓરલ ડિસઓર્ડર જેવી બીમારીઓ બાબતે માહિતી આપી તેમનામાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ કાઉન્સેલિંગની વિદ્યાર્થીઓ પર પોઝિટિવ અસર થાય છે, એવું ડૉક્ટરોએ કહ્યું હતું.