શાળાના બાળકો સામે થતા જાતીય ગુનાઓને રોકવા સલામતી વ્યવસ્થા વિકસાવવામાં આવશે
થાણે: મહારાષ્ટ્રના બદલાપુરમાં જાતીય હુમલાના મહિનાઓ બાદ, શાળાના બાળકો સામેના જાતીય અપરાધોને કાબૂમાં લેવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના (ડીએલએસએ) સચિવ ઈશ્વર સૂર્યવંશીની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થા વિકસાવવા માટે થાણે શહેરમાં બેઠક યોજાઈ હતી. થાણે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના અધ્યક્ષ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીનિવાસ અગ્રવાલના નિર્દેશન હેઠળ આ બેઠકનું આયોજન કરાયું હતું.
શાળાઓ, શિક્ષક સંગઠનો, પોલીસ વિભાગ અને બાળ સુરક્ષા જૂથોના પ્રતિનિધિઓએ મીટિંગમાં ભાગ લીધો હતો. આ કવાયત બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોના આધારે કરવામાં આવી રહી છે, જેણે શાળાઓ માટે સલામતી નિયમો સ્થાપિત કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરી હતી. આ નિયમો માત્ર સૈદ્ધાંતિક ન રહી જતાં વ્યવહારિક રીતે લાગુ થાય તે સુનિશ્ચિત કરવા પગલાં લેવાઈ રહ્યા છે.
મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એસ કે ફોકમારેએ જાતીય ગુનાઓમાં કિશોર અપરાધીઓની સંડોવણી રોકવામાં શિક્ષકો મુખ્ય ભૂમિકા ભજવે છે. મદદનીશ પોલીસ કમિશનર રાજકુમાર ડોંગરેએ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતીય શોષણ અંગેની વધતી જતી ઘટનાઓ હવે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બની ગઈ છે.
આ પણ વાંચો : પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજન બનશે વધુ પૌષ્ટિક; સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
સૂર્યવંશીએ શિક્ષણ વિભાગોને શાળાઓની સ્થિતિ દેખરેખ રાખવા અને આ સલામતીનાં પગલાંના અમલીકરણ અંગે ડીએલએસએને રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપી હતી.
આ વર્ષે ઓગસ્ટમાં થાણે જિલ્લાના બદલાપુરમાં શાળાના વોશરૂમમાં પુરૂષ કર્મચારી દ્વારા કિન્ડરગાર્ડનની બે છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ઘટનાના આરોપી અક્ષય શિંદેનું સપ્ટેમ્બરમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું.
પીટીઆઈ
બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ
શાળાઓમાં સીસીટીવી કેમેરાની સ્થાપના,
સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરવું
બાળકોના અધિકારો અંગે શિક્ષકોને ફરજિયાત તાલીમ
સગીરોને રક્ષણ આપતા કાયદાઓ પર જાગૃતિ
સૂર્યવંશીએ ભાર આપેલા મુદ્દાઓ
શાળાઓએ ઓછામાં ઓછા એક મહિના માટે સીસીટીવી ફૂટેજ જાળવવા જોઈએ,
સ્ટાફ અને વિદ્યાર્થીઓ બંનેને તાલીમ આપવી મહત્વની છે
વિધાર્થીઓમાં ‘ગુડ ટચ અને બેડ ટચ’ અને સાયબર ક્રાઈમ બાબત જાગૃતિ લાવવી.
શૈક્ષણિક સંસ્થાઓની નિયમિત પોલીસ દેખરેખ થવી જોઈએ