સ્કૂલ બસના નિયમોની ઐસીતૈસી: વિદ્યાર્થીઓના જીવન સાથે રમત
મુંબઈ: રાજ્ય સરકારે સ્કૂલમાં ભણતા બાળકોને લાવવા-લઇ જવા માટે પરિવહન સંબંધિતના નિયમો ભલે કડક બનાવ્યા હોય, પરંતુ તેને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવતા નથી. મુંબઈમાં પણ વિદ્યાર્થીઓનો જોખમી પ્રવાસ શરૂ જ છે. ટ્રાફિક વિભાગ તરફથી નિયમિત રીતે આ સંબંધે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ વાહનચાલકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ૧૫૬ સ્કૂલ બસ અને વિદ્યાર્થીઓને લાવતા-લઇ જતા અન્ય વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સ્કૂલના વિદ્યાર્થીઓને લઇ જતાં વાહનોના થયેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમિતિ દ્વારા અભ્યાસ કરીને સ્કૂલ બસ નિયમાવલી ૨૦૧૧માં બનાવી હતી. તેમ છતાં હજી પણ અનેક વિદ્યાર્થીઓ જોખમી પ્રવાસી કરી રહ્યા છે. વાહનોની રચના માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. નિયમોનું બરાબર પાલન થઇ રહ્યું છે કે નહીં તે જોવા માટે પણ જિલ્લાધિકારીના નેતૃત્વ હેઠળ આરટીઓ, ટ્રાફિક પોલીસ વગેરેનો સમાવેશ કરતી સમિતિ છે. સ્કૂલ સ્તરે પણ આવી સમિતિઓ છે જેમાં સ્કૂલ મેનેજમેન્ટ, વાલીઓ, ટ્રાફિક પોલીસ, વાહનોના કોન્ટ્રેક્ટરો વગેરેનો સમાવેશ કરાયો છે. સ્કૂલ બસના સ્ટોપ, બસની તપાસણી અને ભાડા માટે પણ અધિકારીઓની સમિતિ છે. નિયમો પ્રમાણે સમિતિઓ નિમાઇ છે, પરંતુ તે ફક્ત કાગળ પર જ છે.
આ પણ વાંચો : ભવિષ્યનો વિચાર કરીને મુંબઈનો વિકાસ કરો: હાઇ કોર્ટ
કઇ સુવિધા હોવી જોઇએ?
સ્કૂલ બસમાં પ્રવાસ કરતા દરેક વિદ્યાર્થીનો વીમો કઢાવવો જરૂરી છે. સ્કૂલ મેનેજમેન્ટ પર વીમો કઢાવવાની જવાબદારી છે. આ વીમાની રકમ વિદ્યાર્થીઓના ખર્ચમાં સામેલ કરી શકે છે. દરેક બસમાં દવાઓ, ફસ્ટ ઍડ બોક્સ હોવું જરૂરી છે. ફાયર સેફ્ટી સિસ્ટમ પણ હોવી જોઇએ. બસમાં સીસીટીવી કેમેરા વગેરે સુવિધા હોવી જરૂરી છે.
સ્પીડ નિયંત્રણ પણ જરૂરી
બસમાં મર્યાદિત વિદ્યાર્થીઓને જ લઇ જવા એવો નિયમ છે. બાર વર્ષથી મોટા વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યક્તિ સમજવા. બસની સ્પીડ પણ પ્રતિ કલાકે ૪૦ કિ.મી.થી પચાસ કિ.મી. હોવી જોઇએ. તેનાથી વધુ નહીં.