ફૂડ પૅકેટમાં સંતાડી ડ્રગ્સ લંડન મોકલવાની યોજના
પુણે-દિલ્હીમાંથી ₹ ૩,૫૦૦ કરોડનું મેફેડ્રોન જપ્ત
પુણે: પુણેમાંથી જપ્ત કરાયેલા ૧,૧૦૦ કરોડ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સના કેસની તપાસમાં પોલીસને કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ ડ્રગ્સ રેડી-ટુ-ઈટ ફૂડ પૅકેટ્સમાં સંતાડીને દિલ્હીની એક કુરિયર કંપની મારફત લંડન મોકલવાની યોજના હતી, એવું વરિષ્ઠ પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે પોલીસે પુણે અને દિલ્હીનાં અલગ અલગ સ્થળેથી ૧,૭૦૦ કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ કેસમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની અન્ય કડીઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન પુણે પોલીસે ૭૨૦ કિલો મેફેડ્રોન પુણેમાંથી જપ્ત કર્યું હતું, જેમાંથી ૬૦૦ કિલો પુણે-સોલાપુર રોડ પરના કુરકુંભ એમઆઈડીસી વિસ્તારમાં આવેલી ફૅક્ટરીમાંથી હસ્તગત કરાયું હતું. વધુ તપાસમાં દિલ્હીમાંથી ૯૭૦ કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત ૩૦૦૦ કરોડથી ૩,૫૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, એવું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
કુમારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન દિલ્હીની એક કુરિયર કંપનીનું નામ સામે આવ્યું હતું. કુરિયર કંપનીના એક કર્મચારીને પણ તાબામાં લેવાયો હતો. (પીટીઆઈ)ઉ