લાડકી બહેન યોજનામાં કરોડોનું કૌભાંડ | મુંબઈ સમાચાર

લાડકી બહેન યોજનામાં કરોડોનું કૌભાંડ

14,298 પુરુષે મહિલાઓ માટેની સ્કીમનો લાભ લીધો: અન્ય 2,36014 લાભાર્થીઓના નામ પર શંકા પુરુષોને પૈસા કેવી રીતે મળ્યા એની રાજ્ય સરકારે તપાસ આદરી

મુંબઈ: ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ લગભગ એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. ઘણી અપાત્ર મહિલાઓએ પણ આ લાડકી બહેન યોજનાનો લાભ લીધો હોવાનું અગાઉ બહાર આવ્યું હતું, પરંતુ હવે એ વાત સામે આવી છે કે માત્ર મહિલાઓ જ નહીં, પુરુષોએ પણ લાડકી બહેન યોજનાનો ગેરલાભ લીધો છે. આ યોજનામાં આ નવું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ પુરુષોએ લીધેલા ગેરલાભને કારણે રાજ્ય સરકાર પર રૂ.21 કરોડનો બોજ પડ્યો હતો.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનામાં મહિલાઓને દર મહિને દોઢ હજાર રૂપિયા આપવામાં આવે છે. જરૂરિયાતમંદ મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ગેરલાભ સરકારી કર્મચારીઓએ, ગાડી અને બંગલા ધરાવતી મહિલાઓએ પણ લીધો હતો અને એક પછી એક ઘણી અપાત્ર મહિલાઓને આ યોજનામાંથી દૂર કરવામાં આવી હતી.

યોજનાના લાભાર્થીઓનું ઓડિટ કરતી વખતે જાણવા મળ્યું હતું કે કુલ 14,298 પુરુષોએ લાડકી બહેન યોજનાનો ગેરલાભ લીધો હતો અને તેમને 21.44 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ યોજના ઓગસ્ટ 2024થી શરૂ થઈ હતી.
જાહેર વિતરણ વ્યવસ્થામાં ડેટા તપાસ્યા બાદ વધુ ચોંકાવનારી બાબતો ધ્યાનમાં આવી છે. 2,36,014 લાભાર્થીઓના નામ પર શંકા છે. એવી શંકા છે કે તેઓ પુરુષો છે અને તેમણે મહિલાઓના નામે ગેરલાભ લીધો છે. આ યોજનાનો લાભ લેનારા 14,298 પુરુષોને દર મહિને 1500 રૂપિયાનું માનદ વેતન હવે બંધ કરી દેવામાં આવ્યું છે. યોજનામાં થયેલા કૌભાંડને કારણે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. પુરુષોએ અરજી કરીને મહિલાઓની યોજનામાંથી પૈસા કેવી રીતે મેળવ્યા તે જાણવા માટે હવે દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.

આ યોજનાના લાભાર્થીઓના ચાલી રહેલા ઓડિટમાં અન્ય કેટલીક બાબતો પણ સામે આવી છે. નિયમો મુજબ, 65 વર્ષથી વધુ ઉંમરની મહિલાને આ યોજનાનો લાભ મળતો નથી. તેમ છતાં, 2,87,803 વૃદ્ધ મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે. આ મહિલાઓને અત્યાર સુધીમાં રૂ. 431.70 કરોડ મળ્યા છે. આવી જ રીતે એક જ પરિવારની બેથી વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળતો નથી. આમ છતાં, 7,97,751 લાભાર્થી એવા છે જેમાં એક પરિવારોની બેથી વધુ મહિલાઓએ આ યોજનાનો લાભ મળ્યો છે. તેમની પાછળ રાજ્ય સરકારની તિજોરી પર 1,196 કરોડનો બોજ પડ્યો છે.

65 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવશે. આના કારણે, સરકાર વાર્ષિક 518 કરોડ રૂપિયા બચાવશે. બીજી તરફ, જે પરિવારોમાં બેથી વધુ મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે તેમને યોજનામાંથી દૂર કરવાનો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મહિલા-કેન્દ્રિત યોજનાના પ્રભારી અધિકારીઓ હવે અનુત્તરિત પ્રશ્ર્નોના ઘેરામાં છે. પુરુષો પાત્રતા ચકાસણીને કેવી રીતે બાયપાસ કરી શક્યા, તેમની અરજીઓને કોણે મંજૂરી આપી અને કઈ પ્રણાલીગત ભૂલોને કારણે ભંડોળનું ખોટું વિતરણ થયું આવા અનેક સવાલ ઊભા થયા છે. રાજ્ય સરકાર દેખરેખ માટે જવાબદાર લોકો સામે શિસ્તભંગના પગલાં લેશે અને દુરુપયોગ કરાયેલ ભંડોળને પુન:પ્રાપ્ત કરવા માટે પગલાં લેશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો…2289 મહિલા સરકારી કર્મચારીઓ અપાત્ર હોવા છતાં લાડકી બહેન યોજનાનો લાભ લઈ રહી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button