બોલો, ફ્લાઈટમાં સ્મોકિંગ કર્યા પછી વિદેશી પ્રવાસીએ કર્યું આ કરતૂત, થઈ ઘરપકડ
મુંબઈ: ફ્લાઇટમાં સ્મોકિંગ કરવાની સાથે પ્રવાસીઓ દ્વારા અભદ્ર વર્તન કરવાના અનેક સમાચાર જાણવા મળતા હોય છે. તાજેતરમાં પણ એક એવી જ ઘટના વિસ્તારાની ફ્લાઇટમાં બની હતી, જેમાં એક વિદેશી નાગરિકે ફ્લાઈટમાં ઓનબોર્ડ મુસાફરી વખતે સિગારેટ પીવાની સાથે અને સીટ પર પેશાબ પણ કર્યાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. આ બનાવથી ફરી એક વખત એવિએશન સેકટર ચર્ચામાં આવ્યું છે.
પેરિસથી મુંબઈ આવતી વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટમાં આ બનાવ બન્યો હતો. વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટમાં ફ્રાન્સના એક 36 વર્ષના એક પ્રવાસીએ ફ્લાઇટમાં સિગારેટ પીધી હતી. એટલું જ નહીં, સિગારેટ પીધા પછી તેનો ધુમાડો લોકો પર ઉડાવ્યો હતો ત્યાર બાદ પોતાની સીટ પર પેશાબ કર્યો હતો. આવી ખરાબ વર્તણૂક કરનારા પ્રવાસીની ફરિયાદ કરવામાં આવ્યા પછી પ્લેન મુંબઈ લેન્ડ થયા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટર નેશનલ એરપોર્ટ પર લેન્ડ થયેલી વિસ્તારા એરલાઇન્સની પેરિસ-મુંબઈ ફ્લાઇટમાં આ ઘટના બાદ જોરદાર હંગામો થયો હતો. ફ્લાઇટમાં સિગારેટ પીવા બદલ પ્રવાસીને સિક્યોરિટી સ્ટાફે બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ આ પ્રવાસીએ પ્લેનમાં ધૂમ્રપાન કરીને પોતાની સીટ પર પેશાબ પણ કર્યો હતો એવી માહિતી પોલીસને આપી હતી અને તે બાદ ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સ પાસેથી આખી ઘટનાની માહિતી લઈને આ પ્રવાસીની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે ફ્લાઇટમાં સિગારેટ પીવાની સાથે સીટ પર પેશાબ કરવા બદલ ફ્રાન્સના નાગરિકની ધરપકડ કરી હતી. આ પ્રવાસી પાસેથી એક સિગારેટ અને લાઇટર પણ જપ્ત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ આરોપીને CISFને સોંપી દેવામાં આવ્યો હતો.
આ પ્રવાસી સામે એવિએશન એક્ટ હેઠળ બીજા પ્રવાસીઓની સુરક્ષાને જોખમમાં મૂકવા બદલ તેની સામે ફરિયાદ નોંધી તેને સ્થાનિક અદાલત સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. આ સુનાવણીમાં અદાલતે આરોપીને 30,000 રૂપિયાનો દંડ ફટકારી તેને જામીન આપવામાં આવ્યા હતા.
થોડા સમય પહેલા પણ દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં એક પ્રવાસીએ બીડી પીધી હતી. આ આરોપીએ લાઇટર સાથે પ્લેનના ટોઇલેટમાં જઈને બીડી પીધી હતી. જોકે ફ્લાઇટના સ્ટાફને તેના પર શંકા આવતા તેની તપાસ કરી હતી અને તેની પાસેથી એક લાઇટર અને બીડીનું બંડલ પણ મળ્યું હતું.