ગણેશોત્સવને ‘મહારાષ્ટ્રના રાજ્ય ઉત્સવ’નો દરજ્જો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક સદીથી વધુ જૂના ‘સાર્વજનિક ગણેશોત્સવ’ને ગુરુવારે સત્તાવાર રીતે ‘મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ’ જાહેર કરવામાં આવ્યો હતો, સરકારે ભારપૂર્વક જણાવ્યું કે, તે આ ઉત્સવના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. વિધાનસભામાં આ બાબતની જાહેરાત કરતા સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે કહ્યું હતું કે, ‘ગણેશોત્સવ ફક્ત એક ઉજવણી નથી. તે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવ અને ઓળખનું પ્રતીક છે.’

પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ (ગણેશ ઉત્સવની જાહેર ઉજવણી) 1893માં લોકમાન્ય (બાળ ગંગાધર) તિલક દ્વારા શરૂ કરવામાં આવી હતી. ‘આ ઉત્સવનો સાર સામાજિક એકતા, રાષ્ટ્રવાદ, સ્વતંત્રતાની ભાવના, આત્મસન્માન અને આપણી ભાષાના ગૌરવમાં રહેલો છે,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર રાજ્ય અને રાષ્ટ્રભરમાં ગણેશોત્સવના સાંસ્કૃતિક વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને ઉજવણી કરવા માટે પ્રતિબદ્ધ છે.

‘કેટલાક વ્યક્તિઓએ વિવિધ કોર્ટ અરજીઓ કરીને, ઉજવણીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરીને આ વર્ષો જૂની જાહેર પરંપરાને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહાયુતિ સરકારે ઝડપથી અને નિર્ણાયક રીતે આવા તમામ અવરોધોને દૂર કર્યા હતા,’ એમ તેમણે કહ્યું હતું. પહેલાની સરકારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ની માર્ગદર્શિકા ટાંકીને પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓ પર નિયંત્રણો લાદ્યા હતા, પરંતુ વ્યવહારુ વિકલ્પો આપ્યા નહોતા. તેમના વિભાગે આ મુદ્દાને વધુ સંતુલિત દૃષ્ટિકોણથી ઉકેલ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
અમે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો શોધવા અને પીઓપી ખરેખર પર્યાવરણ માટે હાનિકારક છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક અભ્યાસ શરૂ કર્યો. અમે રાજીવ ગાંધી વિજ્ઞાન આયોગ દ્વારા કાકોડકર સમિતિના માધ્યમથી ઊંડાણપૂર્વક અભ્યાસ શરૂ કર્યો હતો. ‘કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે તારણોને મંજૂરી આપી હતી અને અગાઉના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા. કોર્ટના ચુકાદા મુજબ, હવે પીઓપી મૂર્તિઓ બનાવવા, પ્રદર્શિત કરવા અને વેચાણ કરવાની મંજૂરી છે, એમ તેમણે કહ્યું હતું.

ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે ગણેશોત્સવ પર સ્પષ્ટ અને સક્રિય વલણ અપનાવ્યું છે. પુણે, મુંબઈ અને રાજ્યભરમાં ભવ્ય ઉજવણી માટે પોલીસ સુરક્ષા હોય, માળખાકીય સુવિધાઓની જરૂરિયાતો હોય કે આર્થિક સહાય હોય, મહારાષ્ટ્ર સરકાર જરૂરી ખર્ચ ઉઠાવશે, એમ તેમણે જાહેર કર્યું હતું.
હું બધા ગણપતિ મંડળોને અપીલ કરું છું કે તેઓ તેમના ઉત્સવોમાં એવા વિષયોનો સમાવેશ કરે જે આપણા સશસ્ત્ર દળોનું સન્માન કરે, સામાજિક પહેલ, ‘ઓપરેશન સિંદૂર’, રાષ્ટ્રની વિકાસલક્ષી સિદ્ધિઓને પ્રકાશિત કરે અને આપણા મહાન નેતાઓને તેમના સુશોભન પ્રદર્શનોમાં શ્રદ્ધાંજલિ આપે, એમ શેલારે કહ્યું હતું. આ વર્ષે 10 દિવસનો ગણપતિ ઉત્સવ 27 ઓગસ્ટથી શરૂ થશે.