સાંતાક્રુઝ-ચેંમ્બુર લિંક રોડ કેબલ-સ્ટેડ બ્રિજનું કામ પૂરું:
ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચે સિગ્નલ ફ્રી વાહનવ્યહાર શક્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરના ટ્રાફિકમાં ઘટાડો કરવામાં મહત્ત્વનો સાબિત થનારા સાંતાક્રુઝ-ચેંમ્બુર લિંક રોડ કેબલ સ્ટેડ બ્રિજનું બાંધકામ ૧૦૦ ટકા પૂરું થઈ ગયું છે. હાલ અંતિમ તબક્કાના નાનાં-મોટાં કામ ચાલી રહ્યા હોઈ બહુ જલદી આ બ્રિજને વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.
સાંતાક્રુઝ-ચેંમ્બુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટમાં મહત્ત્વના ગણાતા કેબલ સ્ટેડ બ્રિજના સિવિલ કામ પૂરા થઈને હાલ સાઈનેજ બેસાડવાની સાથે જ કલર કરવાનું તથા સ્ટ્રીટ લાઈટ બેસાડવા તેમ જ કેબલ સ્ટેડ સ્પાનમાંથી કામચલાઉ સપોર્ટ દૂર કરવામાં આવી રહ્યા છે.
આ પુલ કુર્લાથી એરપોર્ટ સુધીને સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે અને વાકોલા-બાન્દ્રા-કુર્લા કૉન્પ્લેક્સ (બીકેસી) અને લાલબહાદુર શાસ્ત્રી રોડ(એલબીએસ) રોડ પરના ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મુસાફરીનો સમય તો બચશે પણ સાથે જ બળતણના વપરાશમાં પણ ઘટાડો થશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(એમએમઆરડીએ)ના કમિશનર ડૉ. સંજય મુખરજીએ તાજેતરમાં કેબલ સ્ટેડ બ્રિજની સાઈટનું ઈન્સ્પેકશન કર્યું હતું અને બહુ જલદી આ પુલનું ઉદ્ઘાટન કરીને તેને ખુલ્લો મૂકવામાં આવશે એવું જણાવ્યું હતું.
દક્ષિણ એશિયાના પહેલો એવો કેબલ સ્ટેડ બ્રિજ છે, જેમાં ૧૦૦ મીટરનો તીવ્ર વળાંક (હોરિઝોન્ટલ કર્વ) આવે છે. બ્રિજમાં ૨૧૫ મીટર લાંબો ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક છે, જે જમીનથી પચીસ મીટર ઉપર છે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થાય છે. મુંબઈ મેટ્રો-૩ લાઈન અને અંડરગ્રાઉન્ડ યુટિલિટીઝને અસર નહીં કરતા વાય આકારનો સેન્ટ્રલ પાયલોન ડિઝાઈન કરવામાં આવ્યો છે.