નવી મુંબઈમાં કોન્ટ્રાક્ટર પર ગોળીબાર: બે બાઈક સવાર ફરાર…

મુંબઈ: ગાર્બેજ કલેક્ટિંગ કોન્ટ્રાક્ટર પર બાઈકસવાર બે હુમલાખોરે ગોળીબાર કર્યો હોવાની ઘટના નવી મુંબઈના સાનપાડા ખાતે બની હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા કોન્ટ્રાક્ટરને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યારે ફરાર હુમલાખોરોની પોલીસે શોધ હાથ ધરી હતી.
આ પણ વાંચો : 1.61 કરોડનું ડ્રગ્સ, કોડીન મિશ્રિત કફ સિરપની 900 બોટલો જપ્ત: બે નાઇજીરિયન સહિત ચારની ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની સવારે 9.30 વાગ્યાની આસપાસ સાનપાડામાં ડી-માર્ટ નજીક બની હતી. વાશી એપીએમસીના ગાર્બેજ કલેક્ટિંગ એજન્સી કોન્ટ્રાક્ટર રાજારાજ ઠોકે તેની કાર રસ્તાને કિનારે પાર્ક કરીને ચા પીતો બેઠો હતો.
ઠોકે કારમાં જ બેસીને ચા પી રહ્યો હતો ત્યારે બાઈકસવાર બે હુમલાખોર કાર નજીક આવ્યા હતા. હુમલાખોરે પિસ્તોલમાંથી ચારથી પાંચ રાઉન્ડ ઠોકેની દિશામાં ફાયર કર્યા હતા. ગોળીબાર બાદ બન્ને હુમલાખોર બાઈક પર ફરાર થઈ ગયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઠોકેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : મુંબઈના સમુદ્રમાંથી અચાનક કેમ ગાયબ થઈ રહી છે માછલીઓ? કારણ જાણશો તો ચોંકી ઉઠશો?
ગોળીબારની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હુમલાખોરોને ઓળખી કાઢવા પોલીસ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. આરોપીઓ કઈ દિશામાં નાસી ગયા તેની પણ તપાસ ફૂટેજને આધારે કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)