સંજય શિરસાટ ‘રોકડની થેલી’ સાથે જોવા મળ્યા બાદ, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ટીકાનો ભોગ બન્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના પ્રધાન સંજય શિરસાટનો એક વાયરલ વીડિયો મહારાષ્ટ્ર વિધાનસભામાં સત્તાના કોરિડોરમાં ચર્ચાનું કારણ બન્યો છે જેમાં તેઓ તેમના ઘરના એક ઓરડામાં ચલણી નોટોથી ભરેલી બેગ સાથે જોવા મળ્યા છે.
ઔરંગાબાદમાં એક હોટલ સોદા અંગે વિવાદના કેન્દ્રમાં રહેલા શિરસાટને તેમની સંપત્તિ પર આવકવેરાની નોટિસ મળ્યા બાદ આ વીડિયો સામે આવ્યા બાદ હવે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના નેતા એકનાથ શિંદે વિપક્ષની ટીકાનો ભોગ બની રહ્યા છે.
આપણ વાંચો: વિપક્ષીનેતાનું પદ મેળવવા સંખ્યાબળ જોઈએ, ઉદ્ધવને ખબર હોવી જોઈએ: સંજય શિરસાટ
વાઈરલ ક્લિપમાં શિરસાટ પલંગ પર બેસીને ધૂમ્રપાન કરતા, બનિયાન અને શોર્ટ્સમાં દેખાય છે. કેમેરો રૂમમાં ફરતો હોવાથી તેમનો પાલતુ કૂતરો ફ્રેમમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ દર્શકોને ચલણી નોટોના ડબ્બાવાળી બેગ બતાવવામાં આવે છે.
શિવસેના યુબીટીએ આરોપ લગાવ્યો છે કે તે ભ્રષ્ટાચારના પૈસા છે અને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને શિરસાટ સામે કાર્યવાહી કરવાનો પડકાર ફેંક્યો છે.
શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે એક પોસ્ટ કરી જેમાં લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે વાયરલ વીડિયો જોવો જોઈએ. ‘દેશમાં શું ચાલી રહ્યું છે! (મહારાષ્ટ્રના પ્રધાનનો આ વીડિયો ઘણું બધું કહી જાય છે),’ એમ રાઉતે લખ્યું હતું.
આપણ વાંચો: શિરસાટ જરાંગેને મળ્યા: મરાઠા વિદ્યાર્થીઓ માટે જાતિ માન્યતા પ્રમાણપત્રોના મુદ્દાને ઉકેલવાની ખાતરી આપી
બીજી તરફ શિવસેનાના યુબીટી વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, ‘અમે ગયા અઢી વર્ષથી કહી રહ્યા છીએ કે, ‘પન્નાસ ખોકે, એકદમ ઓકે,’ તો તે વીડિયોમાં દેખાતી બેગ તે બોક્સમાંથી એક હોવી જોઈએ.
આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સંબંધિત વ્યક્તિ કેબિનેટ પ્રધાન છે. તેના પર હોટલ સોદો, જમીન કબજે કરવા અને બીજા ઘણા આરોપો છે. મુખ્ય પ્રધાને પણ તપાસના આદેશ આપ્યા છે.’
‘હવે એકમાત્ર સવાલ એ રહે છે કે શું આ ગેંગના બોસ, એકનાથ શિંદે, તેમની સામે કાર્યવાહી કરશે. ના, તે નહીં કરે. તેથી અમે જોવા માગીએ છીએ કે શું કેન્દ્રની ભાજપની સરકાર પ્રધાનને આઇટીની નોટિસ જારી કર્યા પછી કોઈ કાર્યવાહી કરશે કે નહીં,’ એમ પણ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.
શિરસાટને કોઈ ચિંતા નથી, એમ જણાવતાં આદિત્યએ કહ્યું હતું કે, જો ફડણવીસ ભ્રષ્ટાચાર સામે ખરેખર કાર્યવાહી કરવા માગતા હોય, તો તેમણે વીડિયો જોયા પછી તરત જ કાર્યવાહી કરવી જોઈએ.