ફરી સંજય શિરસાટ નારાજ: | મુંબઈ સમાચાર

ફરી સંજય શિરસાટ નારાજ:

રાજ્યકક્ષાના પ્રધાન દ્વારા ‘જાણ કર્યા વિના’ અધિકારીઓ સાથે બેઠક અંગે વાંધો ઉઠાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે ભાજપના નેતા અને તેમના જુનિયર પ્રધાન માધુરી મિસાળ દ્વારા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં બાદમાં તેમણે જવાબ આપ્યો છે કે તે તેમના અધિકારક્ષેત્રમાં આવે છે.

બેઠક પછી, કેબિનેટ પ્રધાન શિરસાટે આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્યકક્ષાના પ્રધાન મિસાળને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને ભવિષ્યમાં અધિકારીઓ સાથે આવી બેઠકો યોજવાની યોજના છે કે નહીં તેની જાણકારી આપવા જણાવ્યું હતું.
આ ઘટનાએ ફરી એકવાર શાસક સાથી પક્ષો, ખાસ કરીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ભાજપ વચ્ચેના મતભેદો ખુલ્લા પાડ્યા છે.

પત્રકારો સાથે વાત કરતા શિરસાટે કહ્યું હતું કે, ‘રાજ્યકક્ષાના પ્રધાન, કેબિનેટ પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને મુખ્ય પ્રધાનની એક સાંકળી હોય છે. તેથી મેં તેમને કહ્યું છે કે જો આવી બેઠકો યોજવી હોય તો મને જાણકારી આપો. (પત્ર લખવામાં) મારો હેતુ ખૂબ જ સ્પષ્ટ હતો કે કેટલાક પાસાઓ છે જ્યાં નિર્ણય લેવાનો હોય છે જે રાજ્યકક્ષાના પ્રધાન કે મારા અધિકાર હેઠળ આવતા નથી.’

મિસાળે કહ્યું હતું કે છેલ્લા સાતથી આઠ મહિનાથી, તેઓ માત્ર સામાજિક ન્યાય વિભાગ જ નહીં, પરંતુ અન્ય વિભાગોના અધિકારીઓ સાથે પણ બેઠકો કરી રહી છે.

ભાજપ પ્રધાને કહ્યું હતું કે તેમને બુધવારે રાત્રે શિરસાટ તરફથી પત્ર મળ્યો હતો અને તેમણે જવાબ આપ્યો હતો કે અધિકારીઓ સાથે બેઠકો યોજવી તે તેમના અધિકારક્ષેત્રમાં આવે છે. સામાજિક ન્યાય ઉપરાંત, મિસાળ નગર વિકાસ, પરિવહન, તબીબી શિક્ષણ, લઘુમતી વિકાસ વિભાગોના રાજ્યકક્ષાના પ્રધાન છે.
‘હું અન્ય વિભાગોની પણ રાજ્યકક્ષાની પ્રધાન છું. નાયબ મુખ્ય પ્રધાન (અને નગર વિકાસ પ્રધાન) એકનાથ શિંદે મને પાલિકા સંસ્થાઓ સંબંધિત આવી બેઠકો યોજવા માટે પ્રોત્સાહિત કરે છે કારણ કે આ સિસ્ટમની કામગીરીને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે,’ એમ મિસાળે જણાવ્યું હતું.

ગયા વર્ષે પ્રધાન બન્યા ત્યારથી શિરસાટ સતત સમાચારમાં રહે છે.
તેમણે અનેક વખત અજિત પવાર દ્વારા ભંડોળ ફાળવવામાં ન આવ્યા અંગે નારાજી વ્યક્ત કરી હતી. આવી જ રીતે લાડકી બહેન યોજના માટે તેમના ખાતાને ફાળવવામાં આવેલા નાણાં પર કાપ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરીને તેમણે નારાજી વ્યક્ત કરી હતી.

આ મહિનાની શરૂઆતમાં, શિરસાટ એક રૂમમાં આંશિક રીતે ખુલેલી બેગમાં નોટોના બંડલ સાથે બેઠા હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો.

તે પહેલાં, વિપક્ષે છત્રપતિ સંભાજીનગરમાં એક હોટલની હરાજીમાં તેમના પુત્રના ભાગ લેવા બદલ પણ તેમને નિશાન બનાવ્યા હતા. શિરસાટના પુત્ર સિદ્ધાંત શિરસાટે હોટલ માટે જીતેલી બોલીનો વિરોધ શિવસેના (યુબીટી) સહિત વિપક્ષો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમણે આ પ્રોજેક્ટ માટે તેમણે આપેલા પૈસાના સ્ત્રોતો જાણવાની માગણી કરી હતી.

આ પણ વાંચો…ગૂગલ મેપ્સે અકસ્માત નોતર્યો! નવી મુંબઈમાં ડાયરેકશન ફોલો કરતી મહિલાની કાર ખાડીમાં ખાબકી

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button