ખેડૂતોની લોન માફી નહીં કરવા માટે અજિત પવાર રાજીનામું આપેઃ રાઉત…
લાડકી બહેનો સાથે થયેલી છેતરપિંડી માટે શિંદે અનશન કરે

મુંબઈઃ રાજ્યમાં નવેમ્બર, 2024ના વિધાનસભાની ચૂંટણી યોજાઇ ત્યારે મહાયુતિ સરકારે ખેડૂતોને લોન માફીનું વચન આપ્યું હતું, પરંતુ નવી સરકાર બનીને સમય થઇ ગયો છતાં ખેડૂતોની લોન માફ કરાઇ નથી. આ સિવાય નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તાજેતરમાં કહ્યું હતું કે મારા મોંમાંથી ક્યારેય લોન માફી જેવો શબ્દ સાંભળ્યો હતો કે…તેના પર શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે જોરદાર ટીકા કરી છે અને અજિત પવારના રાજીનામાની માગણી કરી છે.
વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ખેડૂતોની લોન માફી, લાડકી બહેનોને મહિને 2100 રૂપિયા વગેરે જાહેરાત કરી હતી, પણ જો આ વચનો પૂરા કરી શકવાના ના હોય તો નાણાં પ્રધાન અજિત પવારે રાજીનામું આપવું જોઇએ, એમ રાઉતે કહ્યું હતું.
આપણ વાંચો : એક સાથે ચૂંટણીઓ ‘અન્ય’ ધર્મોના લોકોને મતદાનના અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ: શિવસેના (યુબીટી)…
મહાયુતિ તરફથી જ્યારે આ જાહેરાતો કરાઇ ત્યારે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા, પરંતુ હવે આ વચનો પૂરો કરવા ફડણવીસ અને અજિત પવાર બાધા બની રહ્યા છે ત્યારે એકનાથ શિંદે પાસે દેવગિરી બહાર અનશન પર બેસવાનો માર્ગ છે. શિંદેની નજરની સામે લાડકી બહેનોનું અપમાન થયું છે. તમે શિવસૈનિક છો અને ખરા શિવસૈનિકે આંદોલન કરવું જ જોઇએ, એમ રાઉતે વધુમાં કહ્યું હતું.