પવારે મોદી અને શાહ પાસેથી રાજીનામું માંગવું જોઈએ, સંજય રાઉતના વાક્ પ્રહાર…

મુંબઈ: શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે એનસીપી (SP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, શરદ પવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી રાજીનામાની માંગણી કરવી જોઈએ. કારણ આપતા રાઉતે કહ્યું હતું કે, સરકાર પહલગામ આતંકવાદી હુમલાને રોકવામાં નિષ્ફળ રહી અને ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાનો હસ્તક્ષેપ ભારતે સ્વીકાર્યો છે. આ માટે રાજીનામું માંગી લેવા માટે શરદ પવાર પર વાક્ પ્રહાર કર્યાં છે.
કેન્દ્ર સરકારના એકપક્ષીય નિર્ણય માટે રાઉતે ચિંતા વ્યક્ત કરી
મહત્વની વાત એ છે કે, સંજય રાઉતે માત્ર શરદ પવાર પર વાક્ પ્રહાર નથી કર્યાં પરંતુ ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓ સામે ભારતે કરેલી કાર્યવાહી મામાલે ભારતના વલણને સમજાવવા માટે વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાના કેન્દ્ર સરકારના એકપક્ષીય નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરવા અને તેની ટીકા કરવા બદલ પણ પવાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે આ પહેલા પણ આ મુદ્દા પર કેન્દ્ર સરકારની આલોચના કરી હતી.
સંજય રાઉતને શરદ પવારે આપ્યો વળતો જવાબ
આ મુદ્દે શરદ પવારે પણ સામે સંજય રાઉતને વળતો જવાબ આપ્યો છે. શરદ પવારે કહ્યું કે, ‘સ્થાનિક સ્તરની રાજનીતિએ રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓને પ્રભાવિત ન કરવી જોઈએ’. હવે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાની વાત કરવામાં આવે તો, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ સરકારની આ પહેલ અને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં પાર્ટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને સામેલ કરવા માટે કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું હતું. પરંતુ આ મુદ્દે રાઉતે કેન્દ્ર સરકારને સમર્થન નથી આપ્યું . સંજય રાઉતનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સાંસદોને સામેલ કરતા પહેલા પાર્ટીના પ્રમુખોને વિશ્વાસમાં લેવાની જરૂર હતી.
રાઉતે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મામલે સવાલ ઉઠાવ્યો
મહારાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે માહોલ ગરમ ચાલી રહ્યો છે. કારણે કે, બન્ને શિવસેના પણ એકબીજા પર વાક્ પ્રહારો કરી રહી છે. સંજય રાઉતે તો સીધું કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મામલે સવાલ ઉઠાવ્યો છે. જો કે, આતંકવાદ સામે કરેલી કાર્યવાહીમાં ભારતનું વલણ શું છે તેની વિશ્વના દેશોને જાણ થાય તે માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશયાત્રાએ મોકલી દેવામાં આવ્યું છે. જેના કારણે કેટલાક લોકો નારાજ છે તો કેટલાક લોકોએ કેન્દ્ર સરકારને સમર્થન પણ આપ્યું છે.
આપણ વાંચો : પીએમ મોદીના પોડકાસ્ટ પર Sanjay Raut નો કટાક્ષ, ગણાવ્યા ભગવાન વિષ્ણુનો 13મો અવતાર…