કશું રાજકીય નથી: ઉદ્ધવ અને રાજ ઠાકરેના કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપવા પર સંજય રાઉતની ટિપ્પણી…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે અલગ થયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે રાજકીય પુન:મિલનનું સૂચન કરવું ‘ખૂબ જ અપરિપક્વ’ હતું, એક દિવસ પહેલાં તેઓ એક કૌટુંબિક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : જાના થા જાપાનઃ Vande Bharat Train રૂટ ભૂલી, રેલવેની ઊંઘ હરામ…
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે મુંબઈમાં તેમના ભત્રીજાના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા.
‘મહારાષ્ટ્રને ઠાકરે પરિવાર પ્રત્યે ઊંડો પ્રેમ છે. જો ઉદ્ધવ અને રાજ સાથે આવે, તો મહારાષ્ટ્ર ખુશ થશે. જોકે, રાજ ઠાકરે એક અલગ પક્ષના વડા છે. તેમના આદર્શ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ છે. અમારા માટે તેઓ મહારાષ્ટ્રના દુશ્મન છે,’ એમ સંજય રાઉતે જણાવ્યું હતું.
વિચ્છેદિત પિતરાઈ ભાઈઓ વચ્ચે રાજકીય પુન:મિલનની અટકળોને ફગાવતા રાઉતે નિર્દેશ કર્યો કે ઉદ્ધવ અને રાજ ઠાકરે એક પરિવારના સભ્યો છે.
‘(એનસીપીના વડા) અજિત પવાર પણ તેમના કાકા શરદ પવારને મળે છે. રોહિત પવાર (એનસીપી-એસપીના વિધાનસભ્ય) તેમના કાકા અજિત પવારને મળે છે. પંકજા મુંડે અને તેમના પિતરાઈ ભાઈ ધનંજય મુંડે અલગ અલગ પક્ષોના સભ્યો હોવા છતાં, તેઓ મુંડે પરિવારના સભ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેના પુત્રો અલગ અલગ પક્ષોમાં છે,’ એમ રાઉતે કહ્યું હતું.
‘પારિવારિક કાર્યક્રમોમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની મુલાકાતોને રાજકીય દ્રષ્ટિકોણથી જોવું ખૂબ જ અપરિપક્વ ગણાશે,’ એમ સંજય રાઉતે કહ્યું હતું.
દાદરમાં આયોજિત સમારોહમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ તેમના પરિવારના સભ્યો સાથે હતા.
ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરેની ભૂતપૂર્વ પત્ની સ્મિતા ઠાકરે પણ આ કાર્યક્રમમાં જોવા મળી હતી.
ગયા અઠવાડિયે, રાજ ઠાકરેએ ઉદ્ધવની પત્ની રશ્મિ ઠાકરેના ભાઈ શ્રીધર પાટણકરના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી. પરંતુ, ઉદ્ધવ ઠાકરે આવે તે પહેલાં તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો : ખાતું મળ્યા બાદ બધા પ્રધાનો પહોંચ્યા મંત્રાલય, પણ શિક્ષણ પ્રધાન તો અહીંયા પહોંચી ગયા…
રાજ ઠાકરેએ 2005માં અવિભાજિત શિવસેના છોડી દીધી અને બીજા વર્ષે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી હતી.