પ્રકાશ આંબેડકરની ભૂમિકા અંગે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી પક્ષ ભાજપ સાથે જશે નહીં, એવું લખીને આપે એવી શરત પ્રકાશ આંબેડકરે જિતેન્દ્ર આવ્હાડને લખેલા પત્રમાં વ્યક્ત કરી હતી. આ પત્ર બાદ મહાવિકાસ આઘાડી (એમવીએ)માં હિલચાલ શરૂ થઈ ગઈ છે.
સંજય રાઉતે કહ્યું હતું કે અમે પ્રકાશ આંબેડકરના પત્ર પર ચર્ચા કરવાના છીએ. કેટલાક પક્ષો પરોક્ષ રીતે એનડીએ માટે પૂરક ભૂમિકા ભજવે છે. આવું જ ઉત્તર પ્રદેશ (યુપી)માં માયાવતી વિશે કહેવાય છે. મહારાષ્ટ્રમાં પણ કેટલાક લોકો આરએસએસના છુપા એજન્ડા સાથે કામ કરી રહ્યા છે.
અમે તે પક્ષ સામે પણ લડવાનું કામ કરીશું. બાબાસાહેબ આંબેડકર એક મહાન પત્રકાર અને મહાન લેખક પણ હતા. જો પ્રકાશ આંબેડકર તેમના વારસાને આગળ વધારતા હોય તો આપણે તેમના પત્રો વાંચવા જોઈએ, એમ સંજય રાઉતે જણાવ્યું હતું.
પ્રકાશ આંબેડકરની ભૂમિકા વિશે સંજય રાઉતને પૂછતાં તેમણે કહ્યું હતું કે અમને પ્રકાશ આંબેડકરની ભૂમિકા શંકાસ્પદ લાગતી નથી. અમને તેમનામાં પૂરો વિશ્વાસ છે. અમે માયાવતીમાં વિશ્વાસ નથી કરતા. પ્રકાશ આંબેડકર બાબાસાહેબ આંબેડકરના વારસદાર છે.
તેઓ મોદીની સરમુખત્યારશાહીને દાટી દેવા માટે અમારી સાથે અડગ ઊભા રહેશે. અમને પૂરી ખાતરી છે કે તે ભાજપની મદદ થાય એવો કોઈ સ્ટેન્ડ નહીં લે.