શિવસેનાના પ્રધાનના ‘રોકડ ભરેલી બેગ’ના વીડિયો પર ફડણવીસના ‘મૌન’ પર રાઉતે સવાલ ઉઠાવ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શિવસેનાના પ્રધાનના ‘રોકડ ભરેલી બેગ’ના વીડિયો પર ફડણવીસના ‘મૌન’ પર રાઉતે સવાલ ઉઠાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શિવસેનાના પ્રધાન સંજય શિરસાટના રૂમમાં રોકડ ધરાવતી બેગ સાથેના વીડિયો પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ‘મૌન’ બાબતે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે સવાલ ઉઠાવ્યા હતા.
રાઉતે કહ્યું હતું કે જો પ્રધાને બેગમાં કપડાં હોય તો તે ખોલવી જોઈએ, પરંતુ તેમાં શું હતું તે સ્પષ્ટ જણાઈ રહ્યું હતું.

‘એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના લોકોએ જણાવ્યું છે કે સરકાર કેટલી ખરાબ રીતે ચાલી રહી છે. મુખ્ય પ્રધાન ફડણવીસ તેના વિશે કેમ કશું બોલતા નથી (શિરસાટનો રોકડની બેગ સાથેનો વીડિયો)?’ એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.

આપણ વાંચો: શિવસેનાના પ્રધાન સંજય શિરસાટનો ‘રોકડ થેલી’નો વીડિયો વાયરલ, તેમનો બચાવ કે બેગમાં ફક્ત કપડાં છે

સેના (યુબીટી)ના નેતાએ વધુમાં કહ્યું હતું કે દક્ષિણ મુંબઈમાં એમએલએ હોસ્ટેલ કેન્ટીનમાં કર્મચારી પર હુમલો કરવા બદલ શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડ પર હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવો જોઈતો હતો.

પોલીસે શુક્રવારે ગાયકવાડ અને તેમના સમર્થક સામે આ અઠવાડિયાની શરૂઆતમાં થયેલા હુમલા બદલ બિન-દખલપાત્ર ગુનો નોંધ્યો છે. ફડણવીસના નિવેદન બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી કે પોલીસે તપાસ શરૂ કરવા માટે ઔપચારિક ફરિયાદની રાહ જોવાની જરૂર નથી.

આપણ વાંચો: સંજય શિરસાટ ‘રોકડની થેલી’ સાથે જોવા મળ્યા બાદ, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ટીકાનો ભોગ બન્યા

રાઉતે કહ્યું કે સરકારે ગુનેગારોનો બચાવ ન કરવો જોઈએ.

‘આ હત્યાનો પ્રયાસ છે, બિન-દખલપાત્ર ગુનો નથી,’ એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું કે શિંદેના નેતૃત્વ હેઠળની સેના સામેનો સંઘર્ષ ચાલુ રહેશે.

‘અમારી દુશ્મની (શિવસેના સાથે) એટલી છે કે અમે એકબીજાને જોઈ શકતા નથી. તેઓ દિલ્હીના પટાવાળા અને મહારાષ્ટ્રના દુશ્મન છે,’ એમ તેમણે જણાવ્યું હતું. તેમણે મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા બિલ 2024ને કાર્યકરોના અવાજોને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

ભાજપ આ બિલ લાવ્યું છે કારણ કે તે આદિવાસીઓ માટે કામ કરનારાઓથી ડરે છે, એમ આ બિલને અમાનવીય ગણાવતા રાઉતે આરોપ લગાવ્યો હતો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button